સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો
ગુજરાતી
બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના ફેલાવવામાં ઊભા થતા અવરોધ્ધ અને કરવામાં આવતા વિઘ્નો ઘણાં ઓછા થયા અને ભગવાનનો વટચશ્વ અને પ્રભાવ ઘણો વધી ગયો. સંતોની કાર્યવાહી પણ ઘણી સહેલી થઇ ગઇ. છડેચોક જુગારખાના અને દારૂના અડા ચલાવતા શખ્શોની સંખ્યામાં ઓટ આવી અને અમુક જે કોઇ એમાં સંડોવાયેલા હતા તે સાધુઓથી દુર રહીને અંદરખાતે પોતાનો ધંધો ચલાવતા હતા.નવી જન્મેલ કન્યાઓને દુધ પીતી કરતા દરબારોની જે સંખ્યા પ્રભુને શરણે આવી એમણે એ પ્રથાને સાવ બંધ કરી દીધી અને પોતાના વર્તણુકમાં અને પરિવારમાં પણ બંધ કરાવી. ભાંગ,ગાંજો અને તમાકુના વ્યસ્નો કંઠી પહેરતાંની સાથે ગાયબ થઇ ગયાં. સતી પ્રથામાં આંક ઘટી ઘટીને સાવ નીચે આવી ગયો. પૈઠણના અભાવે બાળવામાં આવતી પરિણીતાઓએ ઘણી રાહત અનુભવી. કન્યા વિક્ર્યમાં જબરી ઠેસ વાગી. કસાઇઓના ધંધા લગભગ બંધ થઇ ગયા. છડેચોક ચાલતો વ્યભિચારને મહાપાપમાં ગણાવીને, સમાધીમાં જમપૂરીના દર્શન કરાવીને એના સકંજામાંથી છોડાવ્યા.
અભણ અને અગુંઠાછાપ પ્રજાને અંગુઠાના સહારે છેતરતા અને માલ મિલકત પચાવતા જમીનદારો, વ્યાજવટુઓ અને વેપારીઓએ શ્રીજી મહારાજથી શિક્ષણ પ્રવૃતિથી જબરો ધક્કો લાગ્યો. કેટલાયેં માછીમારોએ પોતાના ધંધાનો ત્યાગ કરીને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ખેતીવાડીના ધંધામાં જોડાઈ ગયા. સત્સંગીઓ સુર્ય ઊગ્યા પહેલા ઊઠીને નહાતા-ધોતા થયા.ગમે ત્યાં, ગમે તેના હાથનું રાંધેલું અન્ન ખાવાનું બંધ થતા સત્સંગીઓનું આરોગ્ય સુધર્યુ. લુંટફાટ અને ચોરીના ધંધા છોડીને મજુરી કરતા સત્સંગીઓ ઠેર ઠેર જોવા મળ્યા અને સત્સંગીઓનાં ગામડાં નિર્ભર બન્યાં. અહિંસામય યજ્ઞો થતાં નિર્દોષ પ્રાણીઓનું બલિદાન બંધ થયા. જંતર-મંતર કરીને કે દોરા-ધાગા કરીને અંધશ્રધ્ધાળુને લૂંટીને તાગડધીના કરતા શખ્શો પાછા પડ્યા. સત્સંગીઓ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે નારાયણ કવચ અને હનુમાન સ્તોત્રનો જપ કરવા લાગ્યા અને ભૂત-પલીત કે પારકા પલાથી મુક્તિ મેળવવા માંડ્યા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રભાવીત સંતોના હાથે છંટાયેલા પાણીથી ભૂત-બ્રહ્યરાક્ષસ ભાગવા લાગ્યા જેથી ભુવાઓની કાર્યવાહિ માં પીછેહટ થઇ. પ્રભુના પ્રસાદથી પરમ આનંદ અને મનવાંછીત ઇચ્છા પુરી થતી હોવાથી મલિન દેવતાઓનો પ્રાસાદ અને ભસ્મ બંધ થયાં. જુગારખાના, દારૂખાના અને નાચ-ગાનના સ્થળો તજીને સત્સંગીઓ દેવદર્શને જવા માંડ્યા અને મોટી સંખ્યામાં પ્રજા સાધુ-સંતો અને શ્રી હરિની સભામાં ઊમટવા માંડ્યા. નાટક-ભવાઇમાં મનદુષીત કરતા સત્સંગીઓ કથા-વાર્તા સાંભળવામાં આનંદ અને સંતોષ મેળવવા લાગ્યા.
સમાજમાં એક જબરજસ્ત પરિવર્તન આવ્યું. શુધ્ધ, સ્વચ્છ, પ્રામાણિક અને ઇમાનદારી જીવનથી સમાજ પ્રગતિના પાટે ચડ્યો. માનવતા જાગૃત બની.
શ્રી સ્વામિનારાયણ પ્રભુએ પોતાના સંતોનાં બાર-બારની સંખ્યામાં અલગ અલગ મંડળ રચ્યાં અને એમને ભાગે અમુક ખાસ ગામડાઓ પણ નક્કી કરવામાં આવ્યાં. મંડળના એક આગેવાન સાધુની પણ નીમણુક થતી. એક પ્રદેશમાં આવા ત્રણ-ચાર મંડળો ફરતા અને પછી નક્કી કરેલા સ્થળે, નક્કી સમયે એ મંડળો મળતા. આવા ત્રણ-ચાર મંડળોના નેતા તરીકે એજ સાધુઓ માંથી અગ્રેસર તરીકે મંહતની નીમણુક થતી. જે જરૂર પ્રમાણે પોતાના પ્રદેશની કાર્યવાહીની સંપૂર્ણ માહિતી સ્વામિનારાયણ ભગવાનને પહોંચાડે.
તમામ સંતો મહિને બે મહિને ભગવાનના દર્શન કરવા જ્યાં પ્રભુ બિરાજ્યા હોય ત્યાં પધારે-દર્શન કરે, અલક મલકની વાતો કરે અને પ્રભુ બિરાજ્યા હોય ત્યાં પધારે-દર્શન કરે, અલક મલકની વાતો કરે અને પ્રભુ મળ્યાનો આનંદ સાથે નવી સ્ફુર્તી સાથે પાછા પોત પોતાને ભાગે આવેલા પ્રાંતોમાં પ્રચાર અર્થે જાય. એક સ્થળે લાંબો સમય રોકાય નહિં. મર્યાદામાં રહીને ભક્તોએ આપેલી સગવડો ભોગવે. અન્ન પણ સાદુલે. કોઇ રસાસ્વાદ નહિ, ટાઢ, તડકો અને વરસાદની પરવા કર્યા વગર પગપાળા પ્રવાસ કરે. એમનું તાડન કરનાર, અપમાન કરનાર, ગાળો દેનાર અને એમને મારનાર મલિન તત્વો પર કદિયે ગુસ્સે ન થાય. એમને આર્શીવાદ આપે અને ભગવાન એમને સદબુધ્ધી આપે અને સુખીયા અને થાય એવા વેણો બોલે જેથી કરીને
સંતોની સહન શક્તિ અને શાંત નિર્મળ ચત્રિય આગળ ઝૂકીને ઘણાય શખ્શો શરણે આવ્યાં. સંતો પોત પોતાના પ્રદેશમાં નવા સત્સંગીઓ પ્રેરે. અમુકને પોતે જ કંઠી પહેરાવે અને પંચ વર્તમાન ધરાવે. ઘણાને પ્રભુના શરણે લઇ જાય. એક ગામમાં મોટી સંખ્યામાં મનુષ્યો કંઠી પહેરવા તૈયાર થાય ત્યારે પ્રભુને આ ગામમાં પધારીને સત્સંગીઓને પોતાના શુભ હસ્તે કંઠી પહેરાવવાની વિનંતી કરે.
અનેક સચોટ દ્રષ્ટાંતો આપીને સંતો પ્રજાના વ્યસનો છોડાવે. નિતી-નિયમના લાભા-લાભ દ્રષ્ટાંત સહિત સમજાવે. પાપકર્મના ફળ પણ સમજાવે. અને જરૂર પડ્યે જમપુરીનું વર્ણન પણ કરે. એક જ જણાને ત્યાં જરૂર પડે તો વારંવાર જાય. એમના ખેતરમાં પહોંચી જાય. મજુર વર્ગ મજુરી કરતો હોય ત્યાં પહોંચી જાય અને બપોરના સમયે સત્સંગનો પ્રચાર કરે. ખેડૂતો ખેડ કરતા હોય કે કોસ હાંકતા હોય કે નીંદામણ કરતા હોય ત્યારે પણ લગીરે અચકયા વગર એમને જરૂરી જ્ઞાન આપે.
એક બાઇએ વહેલી સવારે ભીક્ષા માગતા ગયેલા સંતને કપાળમાં પોતું માર્યું તો એ પોતામાંથી દિવાની વાટો બનાવીને એ બાઇનું કલ્યાણ કર્યું. એક ખેડૂતે સંતની શિખામણથી તંગ આવીને સંતને બળદ હાંકવાની લાકડી મારીને માથું ફોડી નાખ્યું. કપાળે પાટો બાંધીને સાંજના સમયે એ ખેડૂત ગામને ચોરે બેસીને ગપાટા મારતો હતો તો ત્યાં જઇને એમને જ્ઞાન આપ્યું અને સત્સંગી બનાવ્યો.
ચોર ટૂકડીના સમૂહમાં જઇને ચોરી કરવાથી થતા ગેરલાભ અને અંત સમયની તકલીફો સમજાવીને ચોરીનું કાર્ય છોડાવવા માટે સંતો વારેઘડીએ એવા ચોર લુટારાના રહેઠાણ પ્રત્યે પહોંચી જતા. એમની સ્ત્રીઓને બોધ આપતા અને એમના પુરૂષોને પાપકર્મ માંથી છોડાવવાનો સરળ માર્ગ બતાવતા.
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો.