H.H. 108 Shree Lalji Shree Nrigendraprasadji Maharaj
Birth date: Mar 14th 1974 (Fagan Vad 5 – Samvat 2030)
સં. ૨૦૩૦ ને ફાગણ વદ પાંચમ એટલે કે રંગપંચમીના પવિત્ર દિને જન્મ ધારણ કરી, જાણે કે વર્તમાનકાળમાં આ કળિયુગી કમઠાણને ઠીકઠાક કરવા પૂર્વક ભગવાનના જ રંગો રંગાવાનો અલૌકિક આભા સંપન્ન ભાગાવત ધર્મૈકહેતુ જન્મ (પ્રાદુર્ભાવ) ધારણ કર્યો હોય તેમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ. ધર્મકુળ મુગાટમણિ ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની વૈયક્તિક સિદ્ધિ અને પ્રતિભા અપરંપાર છે. પ વર્ષની નાની વયે તેઓ વિદ્યાનગરની આઈ.બી. પટેલ ઈંગલીશ મીડીયમ વિદ્યાલયમાં દાખલ થયા ત્યારે (પૂ.દાદાશ્રી) પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજ અને પિતાશ્રી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તેમને વિદ્યાલયે મુકવા સદેહે ઉપસ્થિત રહ્યા હતા એ સંયોગ સાથેજ પૂ. પિતાશ્રીના પગલે પોતાના કર્તવ્ય પંથે હંમેશા સભાન રહેતા પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ઉચ્ચ વિદ્યાભ્યાસની સાથોસાથ વેદ-સંસ્કૃતિ અને સંપ્રદાયના તેમજ અન્ય શાસ્ત્રોના પણ પઠનપાઠન નિરુપણાદિમાં પણ કુશળતા કેળવી લીધી છે.
n n
આઠ વર્ષની નાની વયે વડતાલમાં તેઓના યજ્ઞોપવીત સંસ્કારનો ભવ્ય ઉત્સવ કર્યો હતો. ૭૦૦ બ્રાહ્મણોની વરુણી સહિત ૩૦૦ વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં અન્ય ૨૦૦ બ્રાહ્મણ બટુકોને પણ તેમના ઉપવીત સંસ્કારની સાથોસાથ જનોઈ ધારણ કરાવવામાં આવી હતી. અને આ પ્રસંગે ૨૦૦ કુંડી હરિયાગમાં ૧ કરોડ, ભગવાન શ્રીહરિના મંત્રની આહુતિ પણ અપાઈ હતી. આવા દિવ્ય સંસ્કારો જેઓને પ્રાપ્ત છે તે પ. પૂ. લાલજી મહારાજશ્રીએ એ જ વર્ષે પ.પૂ. પિતાશ્રી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને દાદાશ્રી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજના વિદેશ પ્રવાસ દરમ્યાન સ્વદેશમાં મહેમદાવાદ, ગોધરા, ખાંધલી, જેતપુર, બોરસદ વગેરે ગામોમાં સત્સંગ પ્રચાર કરી નાની વયે અનેક સભાઓ સંબોધી હતી. આટલી નાની ઉંમરમાં શ્રીજી મહારાજ પછી આચાર્ય પરંપરામાં પ. પૂ. લાલજી મહારાજશ્રી તરીકેની સત્સંગ પ્રચાર કાર્યની સિદ્ધ વિશેષ તરી આવે છે.
n n
તેઓની ૧૧ વર્ષની વયે તેમના પિતાશ્રી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો વડતાલ ગાદી પીઠાધિપતિરૂપે પટ્ટાભિષેક થયો ત્યારે તે જ સમયે આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની સંમતિથી વર્તમાનમાંથી નિવૃત્ત થતાં પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજે અસંખ્ય સંતો અને વિશાળ હરિભક્તોની મેદનીની હાજરીમાં ઘોષણા કરી, ઉચિત સમયે અન્ય આચાર્ય શોધવા ન પડે તે માટે ભાવિઆચાર્ય તરીકે પ.પૂ. લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજને લેખાવી તેમની આરતી ઉતારી હતી.
n n
તેઓએ દક્ષિણ વિભાગાના ખાનદેશ, માલેગાંવ, જલગાંવ, ભૂસાવળ, બુરહાનપુર, સાવદા, દાહોદ તેમજ સોરાષ્ટ્ર, કાઠીયાવાડ, સોરઠ, ગોહિલવાડ વગેરે પ્રદેશોમાં પણ અનેકોનેક વખત પ્રવાસ કરેલ અને સત્સંગ જનજાગૃતિ અને ધર્મોપદેશને પ્રાધાન્ય આપી લાખો હરિભક્તોના હૃદયમાં અવિચળ સ્થાન મેળવ્યું છે. પ.પૂ.લાલજી મહારાજે શ્રીમદ ભાગવત, રામાયણ, ભગવદગીતા, મહાભારત, વેદ અને વચનામૃત તથા શ્રી સત્સંગિજીવન આદિક સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું ગહન-વાંચન-અધ્યયન-ચિંતન કરી, સંપ્રદાયમાં સાક્ષર ભાવિઆચાર્યના મોભાને વિસ્તાર્યા છે. તેમ કૃતજ્ઞતા પૂર્ણ બુદ્ધિથી લખવામાં કશું અજુગતું નથી.
n n
ભારતના મહામહિમ્ન રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માનિત અને સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપિતપદને સુશોભિત કરનાર તેઓશ્રીના નાના – પ.પૂ. પંડિત શ્રી બિદ્રનાથ શુકલ અને દાદાશ્રી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજની પાસે પણ તેઓએ સંસ્કૃતનું સમૃદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા ૨૫ વર્ષ દરમ્યાન તેઓ વારંવાર ૮,૦૦૦ જેટલા વિવિધ વખતે અનેક ગામોના પ્રવાસ દ્વારા અનેક સત્સંગી હરિભક્તોને દર્શન-સત્સંગ અમૃતવાણીનો લાભ આપી ચૂક્યા છે.
n n
૧૯૯૧માં તેઓ અમેરિકા, યુ.કે અને કેનેડા જેવા દેશોનો પ્રવાસ કરી શિકાગો અને ડલાસ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ ભારતીય સંસ્કૃ તિ, સભ્યતા અને પરંપરા ઉપર અંગ્રેજીમાં વિદ્વત્તાસભર વૈજ્ઞાનિક ઢબે પ્રવચનો આપી, દેશ-વિદેશના આશ્રિતોના હૃદયમાં પણ ઊંચુ મૂલ્યાંકન કરવું પડે તેવું સ્થાન મેળવ્યું છે.
n n
જનસમાજ અને રાષ્ટ્રના ઉત્થાન કાજે રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ પ.પૂ. લાલજી મહારાજશ્રીનું અનેરુ પ્રદાન રહ્યું છે. અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળોની તેઓએ ૩૫૦થી વધુ શાખાઓની સ્થાપના કરી કરાવી, યુવાનોને સ્વાવલંબી પ્રચાર-પ્રસાર કાર્યમાં સક્ષમ બનવા માટે માર્ગદર્શન આપવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જે પૈકીના લગભગ તમામ મંડળો સત્સંગાની સેવાની સાથે સાથે જનસેવા, શિક્ષણ સહયોગ, વૃદ્ધસેવા અને મેડીકલ કેમ્પ, વ્યસનમુક્તિ, રક્તદાન, ચક્ષુ શિબિર, આપત્તકાળે સેવા સહાય જેવા રચનાત્મક કાર્યો હાથ ધરી જનસમાજમાં માનવતાવ્રતને ઉજાળી એક જવાબદાર નાગરિકની ભાવનાને વિસ્તારી રહ્યા છે.
n n
સને ૧૯૯૭/૯૮માં ખેડા જિલ્લામાં આવેલા ભયંકર પૂર સમયે તેઓશ્રીએ હોમ રેડિયોની મદદથી તથા સમસ્ત પરિવાર તથા ગામજનોની મદદથી તેમજ તાત્કાલિક પોતાના પૂ. પિતાશ્રી, પૂ. જીજાજી તથા લશ્કરી અધિકારી મેજર રાવ સાથે હોડકામાં પ્રવાસ કરી ખેડા જિલ્લાના ગામડાઓના પૂરગ્રસ્ત લોકોને યથાશક્ય સહાય દિવસો સુધી પહોંચાડી હતી. તે દરમ્યાન તેઓ લોકોના દુ:ખ દર્દથી ગમગીનીમાં ગરકાવ થઈ જતા અને પોતાના બાંધવોની જેમ જ તેમની સેવા-શૃશ્રુષા કાજે પોતાનું અસ્તિત્વ જ વિસરી જતા, આવું પરોપકારી યુવા નેતૃત્વ સંપ્રદાયને રૂડું અને અનિવાર્ય લાગે તેમાં નવાઈ શાની ?
n n
વડતાલ-ગઢડા-જૂનાગઢ-ધોલેરા એમ ચારધામની ૧૧૦૦ કિ.મી. લાંબી રેલી દ્વારા સદભાવ તથા સૌનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે સત્સંગ સંદેશ લઈ વિચર્યા હતા. જેમાં ૩૫૦ ઉપરાંત સ્કુટર અને ૬૦થી વધુ કાર સાથે યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ૫૦ કિ.મી. પછી સભા સંબોધન કરી દરેકનાં હૈયામાં ટાઢક વળે તેવા અમૃતવચનો દ્વારા વિદ્વતપ્રભા પ્રગટાવી નવું જોમ પ્રેર્યું હતું અને સત્સંગાની સરવાણીને પ્રવાહિત રાખી હતી. આ પ્રવૃત્તિને તત્કાલીન ગુજરાત સરકારે િબરદાવી હતી.
n n
પ.પૂ. લાલજી મહારાજશ્રીનું સને ૨૦૦૯માં અમેરિકા સરકારે ત્યાંનું ‘નાગરિકત્વ’ આપીને બહુમાન કર્યું છે તેમજ સને ૨૦૧૦માં સુરતમાં ‘યુગપુરુષ’ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમજ સને ૨૦૧૧માં બૃહૃદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા સર્વોચ્ચ ‘ગુજરાત ગૌરવ’નો એવોર્ડ અપાયો છે.
n n
તેઓએ યુવાનોની વિશાળ શિબિરો સરધાર, ખેડા, વડતાલ, બગાસરા, અમરેલી, ખોપાળા, સુરત આદિક સ્થાનોમાં યોજીને પણ સત્સંગની સેવા કરવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે. શાસ્ત્ર સંમત જ્ઞાનથી વિભૂષિત પ.પૂ. લાલજી મહારાજશ્રી ધર્મ, સત્ય અને સિદ્ધાંત કાજે વ્યક્તિગત સ્વાર્થથી પર રહી સેવા મૂલ્યને વિસ્તારતા રહ્યા છે. તેમના આદર્શરૂપે તેઓ તેમના પ.પૂ. પિતાશ્રી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા દાદા પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને મૂલવે છે. વળી વિનમ્રતા અને સ્વાભિમાન સાથે સમાજની સેવા કરતા રહેવાથી મળેલા પૂર્ણ સન્માન છતાં પણ અભિમાનમાં ન છકી જવાના પ.પૂ. પિતાશ્રીના આદેશને તેઓ વળગી રહે છે. તેમજ માતા-પિતા અને ધર્મપ્રતિ પ્રામાણિકતાથી કર્તવ્યનિષ્ઠ રહેવાની તેઓની પ્રતિબધ્ધતા પણ પ્રસંશનીય છે. તેઓનું સમગ્ર જીવન સમાજને સમર્પિત છે. અંગત કાર્ય માટે તેઓની પાસે ઘણો ઓછો સમય બચે છે. વળી ક્યારેક લોકો ઉપર સત્સંગના હિત માટે સંપૂર્ણ વિશ્વાસ મૂકી દેવાની તેમની ધર્મકુળ સહજ-ભાવનાથી પણ તેઓની તકલીફો વધે છે. છતાંય વિનમ્ર હૈયે ભગવાન શ્રીહરિમાં શ્રદ્ધા ધરાવતા પ.પૂ. લાલજી મહારાજ ક્યારેય કોઈને દોષ દેતા નથી.
n n
આવા મહાન વિભૂતિ પુરુષ પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને ત્યાં સં. ૨૦૬૮ પોષ વદ – ૧૧ (તા. ૧૯-૧-૨૦૧૨) ના દિવસે પ.પૂ. બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજનો જન્મ થયો છે. જેઓશ્રી પણ ‘પુત્રના લક્ષણ પારણેથી જ જણાય’ તેમ પ્રાગટ્યદિનના શુભ સંયોગો તેમજ કેટલીક અંગત વિશેષ લાક્ષણિકતાઓથી સ્વયં ભગવાન શ્રીહરિએ પ.પૂ. લાલજી મહારાજશ્રીની માફક તેઓને પણ ‘સમસ્ત સત્સંગના આત્યંતિક શ્રેય માટે જ મોકલેલા; મહાન તારણહાર બની રહેશે’ એવી સમસ્ત સમાજ શુભ ભાવિ દર્શન સહિત લાગણી અનુભવે છે. તેમજ પ.પૂ. લાલજી મહારાજશ્રીના અનુજબંધુ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજને ઘેર પણ સં. ૨૦૬૮ મહા સુદ – ૬ (તા. ૨૯-૧-૨ઇ૧૨) ના દિને પુત્રરત્ન ‘શ્રી દિગ્વિજ્યેન્દ્રપ્રસાદજી’નો જન્મ થયો છે. જેઓ બંને બાળલાલજીશ્રીઓ મળી સત્સંગની ખૂબ સેવા કરે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે પ્રાર્થના કરીએ.
n n
જેમના અદમ્ય ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્ણ નેતૃત્વ નીચે ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવો’ના આયોજનો પણ થયા અને થતા જ રહે છે.
n n
અનંત બદ્ધ જીવાત્માઓને માયાના પાશથી મૂકાવીને મુક્ત બનાવવા માટે પધારેલા સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની અણમોલ વરદાનરૂપ ભેટ એટલે પોતાના દિવ્ય મુખકમળમાંથી ઉચ્ચારેલો ષડક્ષરી ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્ર.
n n
શ્રીજીમહારાજે મહાન પાવનકારી ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્ર આપીને ‘સર્વજીવહિતાવહ’નું દ્રષ્ટાંત પુરું પાડ્યું. જીવાત્માની આત્યંતિક મુક્તિની નિસરણીરૂપ ‘શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય’ની ધૂરા ભગવાન શ્રી સ્વામિનારાયણ પછી તેમના જ સ્થાને સ્થાપિત વડતાલ તેમજ અમદાવાદ ગાદીના બંને આચાર્યશ્રીઓ દ્વારા આજ દિવસ પર્યંત દેદિપ્યમાન રહી છે. અને આ ‘આચાર્ય પરંપરા’ દ્વારા સ્વયં ભગવાન શ્રીહરિએ ‘સર્વજીવહિતાવહ’ના સૂત્રને ચાલુ રાખ્યું છે. શ્રીજી સમકાલીન નંદસંતોથી લઈને આજ દિવસ પર્યંત આચાર્ય દીક્ષિત સંતપરંપરાએ પણ આ મહાશ્રેયસ્કારી ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્ર પાંદડે પાંદડે ગૂંજે એવા પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે.
n n
ભગવાન શ્રીહરિના કલ્યાણકારી સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા તેમજ ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રની દિવ્યતા સારાયે વિશ્વમાં ઉજ્જવલીત થાય, સંપ્રદાય એક છત્ર નીચે આવે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત દિવ્ય સંપ્રદાયમાં સત્સંગની વૃદ્ધિ-વિકાસ અને અનંત હરિભક્તોના કલ્યાણ થાય એવા શુભ આશયથી વિદ્યમાન પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ દિવ્ય સંકલ્પ કર્યો કે, આ વર્ષ (સને ૨૦૧૦) દરમ્યાન સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીયસ્તરે ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રનું લેખનકાર્ય કરીને ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય મહોત્સવ ગઢપુરમાં ઉજવવો. શ્રીજીમહારાજના અપરસ્વરૂપ એવા પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આ બળવાન સંકલ્પને પ.પૂ. લાલજી મહારાજશ્રીના નેતૃત્વ નીચે સમગ્ર સત્સંગ સમાજે ખૂબ હષર્થી વધાવી ૧૦૦ કરોડ મંત્રો લખી નાખ્યા, પછી ૨૦૦ કરોડ… પછી ૩૬૫ કરોડ મંત્રનું લેખનકાર્ય કરવાનો શુભ સંકલ્પ કર્યો. જે સંકલ્પને પણ સમસ્ત સંપ્રદાયના સત્સંગી ભક્તોએ ઉમંગ-ઉત્સાહથી ૩૬૫ કરોડ મહામંત્રનું લેખનકાર્ય કરી ભગીરથ જપયજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું. અને આગળ જૂનાગઢ પ્રદેશમાં પણ આ મહા મહોત્સવ નિમિત્તે ૭૩0 કરોડ મહામંત્રનું લેખનકાર્ય કરી ભગીરથ જપયજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું.
n n
જીવન દર્શનના 44 વર્ષ પછી પણ આજે તેઓ ધર્મપાલન અને વહન માટે તેમના માતૃશ્રી (પ.પૂ. ગાદીવાળા) એ તેમને એક પગે ઊભા રહીને ૧૧ માળા કરવાની કરેલી શિક્ષા અને એક વખત આરતીમાં ઉપસ્થિત ન રહેવાથી ૫૧ વખત તેમને ભગવાન શ્રીહરિ સમક્ષ કરવી પડેલી ઉઠબેસ કયારેય ભૂલાવી શકે તેમ નથી. આવા પ્રશિક્ષિત ધાર્મિક, સુસંસ્કારી, સારસ્વત, યુગપ્રભાવી સંપ્રદાય ભૂષણ – મહાપ્રતાપી આપણા પ.પૂ. લાલજી મહારાજશ્રીના અનેક પૈકીના થોડા મર્મગ્રાહી અસ્તિત્વનો ચિતાર અત્રે આપી આ અલ્પ બુદ્ધિ કલમને વિનમ્ર પ્રયાસ કરી આ શ્રદ્ધેય ધર્મપુરુષને મૂલવવાની તક સાંપડી છે તે બદલ પ.પૂ. લાલજી મહારાજશ્રીના ચરણકમળે નતમસ્તકે પ્રાર્થના સહિત તેઓશ્રીના દિવ્યજીવન માર્ગમાં નિરંતર સુયશસિદ્ધિના યશોગાન થાય તેવા ભગવદાજ્ઞૈકમૂલક સર્વજન-સુખદાયી સંકલ્પો સાકાર થાય તેવી અભ્યર્થના.