H.H. 1008 Shree Acharya Shree Anandprasadji Maharaj
Birth date : July 22th, 1906 (Shravan Sud 1, Samvat 1962)
Gadi Abhishek: Feb 12th, 1931 (Magshar Vad 10 - Samvat 1987)
Aksharnivas : July 8th,1974 (Ashadh Vad 4 - Samvat 2030)
Acharyaship : 28 years
આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજનો જન્મ સં. ૧૯૬૨ના શ્રાવણ વદ - ૧ના મંગળદિને થયો હતો. તેઓશ્રી મોટાભાઈ શ્રી રામપ્રતાપજી મહારાજના વંશજ શ્રી મથુરાપ્રસાદજી પાંડેના પુત્ર શ્રી કુંજવિહારીપ્રસાદજી પાંડેના જ્યેષ્ઠ પુત્ર હતા. તેઓશ્રીને આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજે દત્તપુત્રપણે ગ્રહણ કરી સં. ૧૯૮૭ના માગશર વદ - દશમના રોજ આચાર્યપદે નિયુક્ત કર્યા હતા. પોતે પુખ્ત ઉંમરે ગાદી ઉપર આરુઢ થવાથી ધીર અને ગાંભીર્યાદિ ગુણોથી સત્સંગ-સંપ્રદાયની અનેકવિધ વ્યિક્તઓ ઉપર યોગ્ય પ્રભાવ અને પ્રકાશ ફેલાવીને સત્સંગનું સુયોગ્ય નિયમન કરવામાં કુશળકારી નીવડ્યા હતા. પ.પૂ. આચાર્ય મહારાજશ્રી ખૂબજ દયાળુ સ્વભાવના હતા. કોઈપણ દુ:ખિયાની વ્હારે પહોંચી જતા અને તેનું સ્નેહથી જતન કરતા હતા.
તેઓશ્રીએ સંપ્રદાયમાં સાહિત્યની સેવા વિશેષ કરી છે. વચનામૃત, ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, શિક્ષાપત્રી ભાષ્ય, શ્રીહરિદિગ્વિજય, ગીતાભાષ્ય, શાંડિલ્યસૂત્ર તથા શ્રીહરિલીલાકલ્પતરુ વગેરે મહાનગ્રંથોનું પ્રકાશન કરાવી સત્સંગ સમુદાયને સાહિત્યનો અમૂલ્ય વારસો ભેટ આપ્યો છે.
પ.પૂ આચાર્ય મહારાજશ્રીએ પીજ, વિરસદ, ખંભાત, રાજકોટ, દ્વારકા, જેતપુર, પીપલાણા, માંગરોળ, કારિયાણી, બોટાદ, કાશી (બનારસ) વગેરે ગામોમાં શિખરબધ્ધ મંદિરો તૈયાર કરાવીને મુર્તિ પ્રતિષ્ઠા કરી છે. સં. ૨૦૧૨ના માગશર વદ - દશમને શુભ દિવસે વડતાલ ગાદી ઉપર આરુઢ થયે પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં, તે પ્રસંગે ‘રૌપ્ય મહોત્સવ’ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં સત્સંગ સમુદાયે અલભ્ય લાભ લીધો હતો. અમદાવાદ દેશની ગાદીના પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી આ પ્રસંગે ખાસ સહકુટુંબ પધાર્યા હતા. અને તેમના શુભ વરદહસ્તે એક અભિનંદન પત્ર રૌપ્ય મહોત્સવ પ્રસંગે આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો.
સમય જતાં પોતે સ્વેચ્છાથી નિવૃત્તિ લઈ સં. ૨૦૧૫ના ચૈત્ર વદ - આઠમ (તા. ૩૦-૪-૫૯)ના રોજ પોતાના સુપુત્ર શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની ગાદી ઉપર સ્થાપના કરી પોતે શેષજીવન ભગવાન શ્રીહરિના ધ્યાન-ભજનમાં વિતાવ્યું હતું. અને સં. ૨૦૩૦ના અષાઢ વદ - ચોથના રોજ વડતાલ મુકામે અક્ષરધામને પામ્યા હતા.