H.H. 1008 Shree Acharya Shree Narendraprasadji Maharaj
Birth date : Jan 25th, 1930 (Posh Vad 11, Samvat 1986)
Gadi Abhishek: Apr 11th, 1958 (Chaitra Vad 8 – Samvat 2015)
Aksharnivas : (Jeth Vad 2 – Samvat 2042)
Acharyaship : 26 years
આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજનો જન્મ સં. ૧૯૮૬ના પોષ વદ – ૧૧ના દિવસે વડતાલમાં થયો હતો. સં. ૨૦૧૫ના ચૈત્ર વદ – આઠમના દિવસે તેઓશ્રી વડતાલ દેશ ગાદી ઉપર પદારુઢ થયા હતા. બાળપણથી જ તેમના દાદા શ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજના સંસ્કાર અને સાંનિધ્યમાં તેમનો ઉછેર થયો હતો. નાની ઉંમરમાં તેઓશ્રીએ પૂ. દાદાશ્રી પાસેથી અનેક ધર્મશાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કર્યું હતું.
તેઓશ્રીના સમયમાં મંદિરમાં વ્યવહાર કાર્ય, વ્યવસ્થા માટે ત્યાગી-ગૃહસ્થ ભક્તોમાં પરસ્પર વિવાદ, વિગ્રહ અને વિદ્રોહ ચાલતા હતા. પરંતુ આવા વિપરીત સંજોગો વચ્ચે પણ તેઓ સ્થિર ભાવ રાખી, આનંદમાં ઉપેક્ષા, વિવાદમાં ન્યાય, વિરોધમાં સ્થિરતા, વિશાદમાં ધૈર્ય, સંકટમાં ભગવાન શ્રીહરિનો આશ્રય, ભગવાનનો વિશ્વાસ અને સિદ્ધાંતમાં શ્રીજીમહારાજની આજ્ઞાનું પાલન એ રીતે ખૂબજ આદર્શરૂપ વર્તન કરતા હતા.
પ.પૂ. આચાર્ય મહારાજશ્રી સ્વભાવે શાંત અને ધીરગંભીર હતા. તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે દેવ, તેના સ્થાન, ભગવાન શ્રીહરિની આજ્ઞા, આદેશ અને બંધારણને મન-કર્મ-વચનથી પાળ્યું છે. સત્સંગ-સંપ્રદાયના દરેક આધ્યાત્મિક-ધાર્મિક કાર્યોમાં તેઓશ્રીએ ઊંડો રસ દાખવ્યો છે. તેઓશ્રીના વરદહસ્તે અનેક સંતદીક્ષાઓ, હજારો મુમુક્ષુઓને ગુરુમંત્ર તેમજ ભાવનગર, માણાવદર, મદ્રાસ જેવા મોટા શહેરો અને ગામડાઓમાં અસંખ્ય નૂતન તથા જીર્ણોદ્ધાર કરેલા મંદિરોમાં મુર્તિ પ્રતિષ્ઠાઓના કલ્યાણકારી કાર્યો થયેલ છે.
ભગવાન શ્રીહરિની અનન્ય ભક્તિ અને ઉત્સવો પ્રિય હોવાના સ્વભાવથી તેઓશ્રીના સાંનિધ્યમાં અનેક મોટા ઉત્સવો, મહાયજ્ઞો, કથાપારાયણો યોજાઈ. તેઓશ્રીએ નાનામાં નાના હરિભક્તોના આમંત્રણથી તેઓના ઘરે અને ગામે પધરામણીઓ કરી, ભક્ત અને આચાર્યશ્રી વચ્ચેના અંતરને દૂર કરી અને એક પરિવારિક વાતાવરણમાં સત્સંગનો અભ્યુદયનો નવો ઈતિહાસ રચ્યો.
ભાગવત, ઉપનિષદ, વેદ વગેરેના જ્ઞાતા આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ કાશી સહિત અનેક વિદ્વદ સભાઓમાં પોતે તથા પોતાના સંતો દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતો અને વૈદિક પરંપરાનો વિજયઘોષ કર્યો. તેઓશ્રીને અનેક ધર્માચાર્યો સાથે આત્મીયતાના સંબંધ હતા અને વિવિધ સંપ્રદાયના ધર્માચાર્યોના અધિવેશનમાં પ્રમુખપદે રહી સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.
તેઓશ્રી આચાર્યપદેથી નિવૃત્તિ લીધા પછી પણ પોતાની પાસે રહેલ જ્ઞાન અને અનુભવના ભંડારનો અનેક પારાયણોનું આયોજન કરી વ્યાસપીઠને શોભાવી આજીવન અવિરતપણે સેવાપરાયણ રહ્યા.
તેઓશ્રીનું જીવન ખૂબજ સાદગીભર્યું હતું. સં. ૨૦૪૦ વૈશાખ સુદ – ૧૪(નૃસિંહ જયંતિ) ને તા. ૧૩ મે ૧૯૮૪ના પવિત્ર દિવસે પોતાના પુત્ર શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને આચાર્યપદે સ્થાપના કરી, પોતે નિવૃત્તિપરાયણ રહીને ભગવાન શ્રીહરિની કથાવાર્તા-સત્સંગ-ધ્યાન-ભજન કરતા થકા સં. ૨૦૪૨ના જેઠ વદ – ૨ના રોજ વડતાલ મુકામે પંચભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરવાસી સિધાવ્યા હતા.