H.H. 1008 Shree Acharya Shree Shripatiprasadji Maharaj
Birth date : Aug 18th, 1875 (Shravan Vad 1 – Samvat 1931)
Gadi Abhishek :Apr 26th, 1909 (Vaishakh Vad 7- Samvat 1965)
Aksharnivas : Feb 12th, 1931 (Maha Sud 6 – Samvat 1987)
Acharyaship : 22 years
આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજનો જન્મ સં. ૧૯૩૧ના શ્રાવણ વદ – ૧ના દિવસે થયો હતો. તેઓશ્રી સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના મોટાભાઈ શ્રી રામપ્રતાપજી મહારાજના વંશજ શ્રી મથુરાપ્રસાદજી પાંડેના પુત્ર હતા. સં. ૧૯૬૫ના વૈશાખ સુદ – ૭ના રોજ તેઓશ્રીનો આચાર્યપદે ગાદિપટ્ટાભિષેક થયો હતો. પ.પૂ. આચાર્ય મહારાજશ્રી સ્વભાવે ઘણા નમ્ર અને સરળ હતા. ધર્મ તરફ રૂચિ હતી, સંતો-હરિભક્તો પ્રત્યે આદરભાવ રાખીને સત્સંગનો પ્રચાર કરવાની ખૂબજ ધગશ રાખતા હતા. પોતે સ્વભાવે શાંત હોવાથી તેમના દર્શન કરનારાને દર્શનમાત્રથી હૃદયમાં શાંતિ થતી હતી.
આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજના સમકાલીન દરમ્યાન તેઓશ્રીની આજ્ઞાથી; પૂર્વે આચાર્યપ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગિજીવન ઉપર રચેલી ભાવબોધિની ટીકા પાનાત્મક ગ્રંથરૂપે શ્રી સત્સંગિજીવન – હેતુ ટીકા સહિત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમજ સંતો-હરિભક્તોને નિત્ય ઉપયોગી સંપ્રદાયના ઘણા શાસ્ત્રોનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. પ.પૂ. આચાર્ય મહારાજશ્રીએ નારગોલ, ચાંદોદ, જામનગર, જેતપુર, ઉના, મહુવા, સાવદા, માલેગાંવ વગેરે ગામોમાં મંદિરો બંધાવી ભગવાન શ્રીહરિના ઉપાસ્ય સ્વરૂપોની મુર્તિ પ્રતિષ્ઠા કરી હતી.
પોતાના નાનાભાઈ શ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજના પુત્ર શ્રી આનંદપ્રસાદજી મહારાજને દત્તક લઈ પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. તેઓ શ્રી સં. ૧૯૮૭ મહાસુદ – ૭ના રોજ પંચભૌતિક દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં સિધાવ્યા હતા.