Dev Diwali – (દેવ દિવાળી)
ગુજરાતી
દેવદિવાળી એ શ્રેષ્ઠ, દુર્લભ અને કલ્યાણકારી કારતક માસનું ભારતીય સંસ્કૃતિનું અનેરું મહાપર્વ છે. પૌરાણિક કથા અનુસાર શંખાસુર નામના દૈત્યના ત્રાસથી ત્રાહિમામ્-ત્રાહિમામ્ પોકારતાં દુઃખી થયેલા દેવો અંતે ભગવાન વિષ્ણુના શરણે જાય છે અને દૈત્યના ત્રાસથી મુક્ત કરાવવા પ્રાર્થના કરે છે. દેવોને શંખાસુરના ત્રાસથી મુક્ત કરાવવા ભગવાન વિષ્ણુ શંખાસુરની સામે યુદ્ધે ચડ્યા. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. શંખાસુર મહાશક્તિશાળી હતો. શંખાસુર સાથે ભગવાનનું યુદ્ધ પાંચ હજાર વર્ષ સુધી ચાલ્યું અને અંતતઃ શંખાસુર માર્યો ગયો. આ દીર્ઘ યુદ્ધના કારણે ભગવાનને અતિશય થાક લાગ્યો હોવાથી ભગવાન વિષ્ણુ શયની એકાદશીએ શેષશૈયામાં પોઢી ગયા. ચાર-ચાર માસ થઈ ગયા તોપણ ભગવાન જાગ્યા નહીં હોવાથી દેવોએ ભગવાનને જગાડવા માટે પ્રાર્થના કરી. પ્રાર્થના સૂરો ભગવાનને સંભળાયા અને ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષશૈયા પરથી જાગૃત થયા. તુલસીવિવાહ ઉત્સવ થયો, અનેરો આનંદ છવાયો. આ પ્રસંગ ‘દેવદિવાળી’ તરીકે ઊજવાવાની શરુઆત થઈ. દેવોની દિવાળી એ વર્ષનું મંગળાચરણ છે. દેવોને પ્રાર્થના કરી વર્ષની શુભ શરૂઆત કરવાથી સર્વ કાર્યોમાં માંગલ્ય આવે છે અને વર્ષના બધા જ પર્વો મંગલ બને છે. આ દિવસથી શુભ કાર્યો શરૂ થાય છે. બીજી કથા અનુસાર ચાર માસ પછી પ્રભુ સુતલમાં રહેલા બલિ પાસેથી આ દિવસે દેવો પાસે આવ્યા. દેવો આનંદમાં આવી ગયા અને ઉત્સવ કર્યો. એ ઉત્સવને ‘દેવદિવાળી’ કહે છે. આ તો દેવોના આનંદની વાત થઈ પણ આપણા માટે એમ કહી શકાય કે, આપણામાંથી અસુરભાવ ટળે અને હૃદયમંદિરમાં દૈવીભાવ પ્રગટે – દેવાધિદેવ પ્રગટે તે આપણી દેવદિવાળી. અસુરો રૂપી દોષો ટળે એ દિવાળી અને પરબ્રહ્મ પરમાત્મા શ્રીહરિ મળે એ દેવદિવાળી.
શ્રીમદ્ ભાગવતના સપ્તમ સ્કંધના દશમા અધ્યાયમાં ત્રિપુરારિની કથા આવે છે. ત્રિપુર નામનો મોટો દૈત્ય લાખ વર્ષના તપના તપોબળ તેમજ દૈવ-દૈત્ય, રાક્ષસ, મનુષ્ય-સ્ત્રી કે રોગથી મરણ થાય નહીં તેવા બ્રહ્માજીના વરદાનના કારણે ત્રણેય લોકને તેના તપોબળથી બાળવા લાગ્યો. તેણે દેવ, નાગ અને યક્ષોને કેદ કરી લીધા. દેવોના અધિકાર છીનવી લઈ સૂર્યને પણ દરવાન બનવાની આજ્ઞા કરી. તેણે વિશ્વકર્મા દ્વારા સુવર્ણ, રજત અને લોહના ત્રણ ઊડતાં નગરો બનાવી લીધા. આ ઊડતાં પુરો લઈને અસુરો ગમે ત્યાં ઊતરે. જ્યાં આ પુરો ઊતરે તે નગર અને તેની સંસ્કૃતિનો નાશ થઈ જતો. ત્યારે દેવો ભગવાનના શરણે ગયા. દેવોની અરજથી ભગવાન સ્વયં બાણ થયા, અગ્નિ શલ્ય (બાણનો અગ્રભાગ) થયા, વાયુ બાણના છેડા રૂપ થયા, મૈનાક પર્વત ધનુષ થયો, પૃથ્વી રથ થઈ, ચાર વેદ ઉત્તમ ઘોડા થયા, બ્રહ્મા સારથિ થયા, સૂર્ય ધ્વજ બન્યા, ચંદ્ર છત્રરૂપ અને ગણેશ વગેરે બીજા દેવો પદાતિ થયા. ત્રણ-ત્રણ દિવસ સુધી દેવો અને ત્રિપુર દૈત્ય વચ્ચે ઘમસાણ મહાયુદ્ધ થયું અને અંતે કાર્તિક પૂર્ણિમાના દિવસે મહાદેવજીએ તેને એકજ બાણથી વીંધી નાખ્યો. બધા દેવો પ્રસન્ન થયા. આની ખુશાલીમાં જે વિજયોત્સવ-આનંદોત્સવ તે કાર્તિક પૂર્ણિમાના દીપોનો મહોત્સવ – ‘દેવદિવાળી.’ આ સર્વ કારણોના કારણે જ્યારે સ્વયં ભગવાન શ્રીહરિ જાગૃત થાય છે ત્યારે દેવદિવાળીમાં મંદિરોમાં દીપોત્સવ દ્વારા આનંદની લહેર લહેરાય છે, શણગાર (રોશની) કરવામાં આવે છે.
મત્સ્યપુરાણ અનુસાર આજના દિનના સાયંકાળે ભગવાનનો મત્સ્યાવતાર થયો હતો. તેથી આ દિવસે કરવામાં આવેલ દાન-જપ આદિનું દશ યજ્ઞો સમાન ફળ મળે છે. તે કારણથી ભાવિકો આજે ભાવપૂર્વક દાન-જપ કરે છે. ભારતના ઉત્તર-પૂર્વી આંચલ એટલે કે પર્વતીય ક્ષેત્ર અરુણાચલ પ્રદેશમાં પણ આજના દિવસે શ્રી નિમ્બાર્કાચાર્યની જયંતી હોવાથી ત્યાં પણ આજનું પર્વ ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે. શિવજીના પુત્ર અને ગણેશજીના બંધુ એવા દક્ષિણ ભારતમાં ‘સુબ્રહ્મણ્યમ્’ તરીકે જાણીતા કાર્તિક સ્વામીનો જન્મદિવસ પણ આજના દિવસે ભારે ઉત્સાહ, ઉમંગથી ઊજવાય છે. શીખ ધર્માવલંબી, શીખ ધર્મના આદિ પ્રવર્તક મહાનગુરુ સંત શ્રી નાનકજીનો જન્મ પણ કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયો હોવાથી આ પર્વ શીખો પણ ધામધૂમથી ઊજવે છે. સંવત ૧૭૯૬માં આ દિવસે એટલે કે આ પર્વના પ્રારંભમાં ઉત્તર પ્રદેશમાં ઈટાર ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવનો જન્મ થયો હતો. અને આ પર્વની સમાપ્તિમાં એટલે કે સં. ૧૭૯૮ કારતક સુદ પૂર્ણિમાએ માતા ભક્તિદેવીનો જન્મ થયો હતો. જો પ્રથમ ધર્મ રાખીએ, તો જ ભક્તિ પ્રગટે. જ્યાં આવી ધર્મ સહિત ભક્તિ હોય, ત્યાં જ બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થાય છે.
સં.૧૮૭૦માં ગઢપુરમાં ભગવાન શ્રીહરિએ શ્રી વાસુદેવનારાયણ સમક્ષ અન્નકૂટોત્સવ કર્યો હતો ત્યારે ભક્તિમાતાએ સ્ત્રીભક્તોને દર્શન દઈને ધર્મે સહિત ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો હતો. જેની નોંધ લેતા ‘શ્રીમદ્ સત્સંગિજીવન’ ગ્રંથમાં સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી શ્રાદ્ધના પ્રકારો બતાવતાં લખે છે : ‘યત્ર ધર્મો વસેત્તત્ર વાસો ભવતિ મે ધ્રુવમ્ યતશ્ચાપસરેદ્ધર્મસ્તતો ગચ્છામિતત્ક્ષણમ્ ||
પતિવ્રતાયા મમ વૈ પ્રતિજ્ઞેષાસ્તિ યોષિતઃ |
નાહં જહામિ તં રિત્રગ્ધં રિત્રગ્ધાં માં ન જહાતિ સઃ ||
વશીકૃતોડસ્તિ સ તુ વૈ ભવતીભિર્યતાત્મભિઃ |
યમૈશ્ચ નિયમૈસ્તસ્માદહમસ્મિ વશીકૃતા ||
અતઃ સહૈવ પત્યાહં વાસં યુષ્માસ્વભીપ્સતા |
ભવતીનામપિ હૃદિ સ્થાસ્યામ્યત્ર ન સંશયઃ ||’
– જેઓમાં મારા પતિ ધર્મ નિવાસ કરે તેમાં મારો નિવાસ નિશ્ચે થાય છે. ધર્મ જેનાથી દૂર જાય તેનાથી હું પણ તત્કાળ જ દૂર જાઉં છું. પતિવ્રતા એવી મારી આ (પૂર્વોક્ત પ્રમાણે) પ્રતિજ્ઞા છે કે જેથી હું મારા સ્નેહના આધાર સ્વરૂપ મારા પતિને ક્યારેય ત્યાગ કરતી નથી. નિયમમાં મનવાળી તમોએ અહિંસા, સત્યાદિ યમો અને શૌચ-તપાદિ નિયમો વડે તે ધર્મને તો વશ કરેલા છે માટે હું પણ વશ થયેલી છું. માટે તમારામાં વાસ ઇચ્છતા મારા પતિ ધર્મની સાથે જ હું પણ તમારા હૃદયમાં રહીશ, તેમાં સંશય નથી. સંવત ૧૮૫૭ની સાલમાં આ જ દિવસે પીપલાણામાં નરસિંહ મહેતાના ઘરે સદ્ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ મહાપ્રભુ શ્રી નીલકંઠવર્ણીને મહાદીક્ષા આપીને ‘સહજાનંદ સ્વામી’ અને ‘નારાયણમુનિ’ એવા બે મહામંગળકારી નામ પાડ્યા હતા. ‘સહજાનન્દ ઇત્યાહ પ્રથમં નામ તસ્ય સ: |તતો નારાયણમુનિરિતિ ચક્રેડભિધાં સ્વયમ્ ||’ રામાનંદસ્વામીએ શ્રીનીલકંઠ બ્રહ્મચારીનું સાર્થક નામકરણ કર્યું. ગુરુવર્ય રામાનંદસ્વામીએ શ્રીનીલકંઠનું ‘સહજાનંદ’ એવું પહેલું નામ રાખ્યું. અને ત્યારબાદ તપ, સ્વભાવ અને શરીરની આકૃતિથી નારાયણ ૠષિને સમાન હોવાથી તેમનું ‘નારાયણમુનિ’ એવું બીજું નામ હર્ષપૂર્વક રાખ્યું. ‘શ્રી પુરુષોત્તમ પ્રકાશ’ ગ્રંથમાં સ.ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી આ ‘સહજાનંદ’ નામનો મહિમા ગાતાં કહે છે :
સકાર કે’તાં સર્વે દુઃખ વામે રે ।
હકાર કે’તાં હરિધામ પામે રે ।।
જકાર કે’તાં જય જય જાણો રે ।
નકાર કે’તાં નિર્ભય પ્રમાણો રે ।।
દકાર કે’તાં દદામા દઈને રે ।
પામે ધામ સહજાનંદ કહીને રે ।।
સંવત ૧૮૫૮ના આ જ દિવસે જેતપુરમાં સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને સંપ્રદાયની ધર્મધુરા સોંપી હતી. આજ દિવસે રામાનંદ સ્વામીએ સૌ સંતો-ભક્તોને કહ્યું : “મેં તમોને અગાઉથી કહી રાખ્યું હતું કે :- ‘હું તો લાવ્યો ગણેશનો વેષ, ખેલ કરનાર છે જે વિશેષ; તે તો પાછળ છે આવનાર, એ જ જાણો આ ધર્મકુમાર.’ ‘હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા તો હજુ આવશે.’ મેં તો ડુગડુગી વગાડી તમને સૌને ભેગા કર્યા. હવે આ વર્ણી નારાયણમુનિ તમને સૌને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે. હું જેમની રાહ જોઈને બેઠો હતો, જેમની આજ્ઞાથી ગુરુપદની ગાદી ઉપર બેઠો હતો તે સ્વયં પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ પોતે અત્રે પધાર્યા, ત્યારે તેમનું કાર્ય તેઓને સુપરત કરવા મેં નિર્ણય કરી લીધો છે. તેઓ પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રસ્થાપન કરવા અને અનંત જીવોને બ્રહ્મરૂપ કરી અક્ષરધામ પમાડવા વર્ણીરૂપે સહજાનંદ સ્વામી રૂપે આપણી સમક્ષ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે. તેમના સ્વરૂપની દૃઢ નિષ્ઠા કરશો તો તમારું સૌનું કલ્યાણ થશે.” આટલું કહીને રામાનંદ સ્વામી સિંહાસન પાસે આવ્યા.
સહજાનંદ સ્વામીના કપાળમાં ચાંદલો કર્યો. જરિયાની વસ્ત્રો તથા અલંકારો પહેરાવ્યાં. ફૂલના હાર પહેરાવ્યા અને પોતે જ તેમની આરતી ઉતારી. પછી તેમણે સહજાનંદ સ્વામીને કહ્યું : “હે મહામુનિ ! તમે તમારા ત્યાગ અને વૈરાગ્યનો સ્વભાવ ગૌણ કરીને મારી આજ્ઞાનું પાલન કરવાથી તમારા પર હું પ્રસન્ન થયો છું. તેથી તમો મારી પાસેથી પોતાના ઈચ્છિત કેટલાક વરદાન માગો. આ બ્રહ્માંડમાં મારે તમોને નહિ આપવા યોગ્ય કંઈ પણ નથી. માટે તમોએ નિશ્ચય કરેલું પોતાનું જે અભીષ્ટ ઈચ્છિત હોય તે કહો.” આ રીતે રામાનંદ સ્વામીએ વરદાન માગવાનું કહ્યું ત્યારે સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા કરનાર ભગવાન શ્રી નારાયણમુનિએ વરદાન માગતા કહ્યું :- ‘ઇહ ચ યદુરદૃ:ખમન્તકાલે હૃગણીતવવૃશ્ચ્રીકદંશતુલ્યમાહુઃ | યદિતરદપિ તચ્ચ વૈષ્ણવાનાં ભવતુ મમાથ ચ તે તુ સન્ત્વદુઃખા ||’ – “હે સ્વામિન્ ! આ લોકમાં અંત સમયે મનુષ્યોને અગણિત વીંછીઓના દંશની પીડા કરતા પણ અધિક દુઃખ થાય છે, તથા બીજી પણ શરીર સંબંધી જે જે પીડાઓ કહેવાય છે; તે વેદનાઓનું દુઃખ જો તમારા ભક્તજનોને ભોગવવાનું લખ્યું હોય તો તે મને પ્રાપ્ત થાઓ પણ તમારા ભક્તો દુઃખી ન થાય.” ‘કૃચિદપિ ભુવિ કૃષ્ણભક્તિભાજાં નિજકૃતકર્મવશાદવશ્યભોગ્યમ્ | ઇહ યદુરુતથાડન્નવસ્ત્રદુઃખં તદપિ મમાસ્તુ ન તુ પ્રજેશ ! તેષામ્ ||’ “હે ગુરુવર્ય ! તે જ રીતે આ લોકમાં ભગવદ્ભક્તિ કરનારા તમારા ભક્તજનોને પોતાના કઠિન કર્મસંજોગોવશાત્ ક્યારેય પણ અન્ન વસ્ત્રાદિકની પીડા અવશ્ય ભોગવવાની લલાટમાં લખી હોય તો તે પીડા મને આવે પણ તેઓ અન્નવસ્ત્રે કરીને દુઃખી ન થાય.” આ રીતે સહજાનંદ સ્વામીએ સ્વયં પરમાત્મા હોવા છતાં પોતાની સ્વતંત્ર ઈચ્છાથી સ્વીકારેલા નરનાટકને શોભાવવા અને પોતાના આશ્રિતવર્ગને ભગવાનની ઉપાસનાની રીતિ તથા સદ્ગુરુની પરિચર્યા કરવાની સેવારીતિ શિખવવા જાણે કે ભક્ત હોય તેમ ભક્તિભાવપૂર્ણ હૃદયથી ગુરુના ચરણમાં પ્રાર્થના કરી.
સહજાનંદ સ્વામીના બે વર સાંભળીને રામાનંદ સ્વામી સ્થિર થઈ ગયા. સભાજનો સહજાનંદ સ્વામીનો કરુણાર્દ્ર ભાવ જોઈ રહ્યા. સાચી દયા અન્યના દુઃખને પોતામાં સહી લેવામાં છે એ રહસ્ય આજે સૌને સમજાયું. રામાનંદ સ્વામીની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. જેણે પોતાનો દેહ પણ ભક્તોને અર્થે કરી રાખ્યો છે, તે જ સાચા પ્રભુ છે, સાચા ગુરુ છે. રામાનંદ સ્વામીએ કહ્યું : “તમારા સર્વે મનોરથો સફળ થશે તેમાં જરા પણ સંશય નથી.” જીવપ્રાણીમાત્ર ઉપર પરોપકાર કરનારા શ્રી નારાયણમુનિને આ પ્રકારે વરદાન આપી, આસન પર બિરાજતા રામાનંદ સ્વામી પોતાની સ્થિર દૃષ્ટિથી સહજાનંદ સ્વામીના મુખકમળ સામું જોઈ જ રહ્યા. સહજાનંદ સ્વામીના આ શબ્દોમાં રંતિદેવની હૈયા આરત ટપકતી હતી. તેમનો આ કરુણાર્દ્ર ભાવ જોઈ સભાજનો ગદ્ગદ થઈ ગયા. રામાનંદ સ્વામીની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. ગુરુ પાસેથી ધર્મધુરા ધારણ કરતી વેળાએ આશ્રિતોના દુઃખો માગી લેવાની આવી કરુણા કોઈ ઉત્તરાધિકારીએ દર્શાવી હોય એવું વિશ્વના ઈતિહાસમાં જ નહિ, પરંતુ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી લઈ આજ સુધીના ઈતિહાસમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ દૃષ્ટાંત જડતું નથી.
સંવત ૧૮૮૧માં દેવદિવાળીના બીજા જ દિવસે વડતાલમાં સર્વાવતારી, સર્વોપરી સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં યાવત્ ચંદ્ર દિવાકરૌ પોતાના આશ્રિતોને ઉપાસના દર્શન માટે પોતાના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી આપી હોય તેવો વિશ્વના અધ્યાત્મજગતનો એકમાત્ર ઈતિહાસ છે. અને એ છે વડતાલમાં કમલાકાર નવ શિખરોથી શોભાયમાન મંદિરના દક્ષિણખંડમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે મંદિર કરાવી પોતાનું જ દિવ્ય સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે. સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી લખે છે : ‘ તદન્તિકે તુ મે મૂર્તિરસ્તિ સ્વીયપ્રાસ ’ ભગવાન શ્રીહરિ સ્વમુખે કહે છે : “દક્ષિણ મંદિરમાં શ્રી રાધાકૃષ્ણની સમીપે મારી મૂર્તિ મારા એકાંતિક ભક્તોની પ્રસન્નતા માટે છે. તેમજ ઉત્તર મંદિરમાં પણ ધર્મ ભક્તિએ સહિત મારી મૂર્તિ પોતાના ભક્તોેની પ્રસન્નતા માટે છે.” જે જે લોકોએ આરાધન કરેલું છે તે તે જનોને મનોવાંછિત ધર્મ, અર્થ, કામ મોક્ષ વગેરે ફળને આપતા થકા ભૂભાર ઉતારવાના નિમિત્તે પામર – પતિત મનુષ્યોને સમાશ્રય કરવા યોગ્ય અને સકળમનુષ્યને નયન ગોચર, શ્રેષ્ઠ અને પતિત, સર્વે સ્ત્રી પુરુષોને દર્શન આપતાં થકાં વૃત્તાલય ધામમાં કાયમને માટે પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. તેથી શ્રી સત્સંગિજીવનના પ્રથમ પ્રકરણના અધ્યાય ૬૮માં કહ્યું છે :- ‘ વૃત્તાલયે સ ભગવાન્ જયતીહ સાક્ષાત્’
આજના દિવસે ઠાકોરજી આગળ નવા શિયાળુ શાકભાજીની સુશોભિત હાટડી ભરવામાં આવે છે. આપણે તો ભગવાને જ બનાવેલું બીજ ધરતીમાં નાખીએ છીએ પણ ઉગાડવાનું કામ તો પરમાત્મા કરે છે. બધું જ ભગવાનનું છે : ‘તવૈવ વસ્તુ તુભ્યમેવ પ્રદીયતે |’ – તેઓની જ વસ્તુ તેઓને જ અર્પણ કરી ‘તેન ત્યક્તેન ભુંજીથાઃ’ તેમણે જ આપેલું તેમને જ અર્પણ કરીને આપણી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરવાનું આ પર્વ છે.