Diwali – (દિવાળી)
ગુજરાતી
મનુષ્ય માત્ર હંમેશા આધિ-વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલો છે. તેમાંથી જે દિવસે મુક્ત થવાય છે તે જ દિવસને ‘દિવાળી’ કહેવાય છે. આ દિવાળીના દિવસે
– ભગવાન શ્રી રામચંદ્રજી લંકા ઉપર વિજય મેળવીને અયોધ્યા પધાર્યા.
– પાંડવો વનમાંથી પાછા ફર્યા.
– સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા.
– પૃથુ ભગવાને પૃથ્વીનું દોહન કરી રસકસ કાઢ્યા.
– ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસુર-નરકાસુરનો નાશ કરી પ્રજાને ત્રાસમુક્ત કરી તેના આનંદનો દિવસ.
– ચોપડા પૂજન કરી શારદાપૂજન કરવાનો દિવસ.
શ્રીજીમહારાજ પણ આ દીપાવલીના શુભ દિવસે આપણને સૌને ઉપદેશ આપતા કારિયાણી પ્રકરણના છઠ્ઠા વચનામૃતમાં કહે છે : “જે ભક્ત કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલાં વાનાએ રહિત થઈ ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે.” આ ઉપદેશ આપણને સૌને ભગવાન શ્રીહરિએ આપ્યો છે. તેથી તે વાતને આપણે આપણા જીવનમાં સાકાર કરવી તે આપણી પરમ ફરજ છે. તે સર્વે દોષોથી રહિત થઈ દિવ્યજીવન જીવવું તે જ આવા શુભ દિવસનું ફળ હોય છે. અમાસની રાત્રે અજવાળાં ફેલાવતાં દીવડા પ્રગટાવીને અંતરમાં પ્રકાશ પાથરવાની પ્રાર્થના સૂચવતો ઉત્સવ તે દીપાવલી કે દિવાળી. ભગવાન કે તેમના સત્પુરુષમાં મનુષ્યભાવ આવે તો તેની હોળી કરીએ અને દિવ્યભાવની દિવાળી કરીએ એ જ દિવાળી ! ઘર-કુટુંબ અને શરીરમાં શુદ્ધિ, નવીનતા, પ્રેમ અને આત્મીયતા કેળવવાનો શુભ અવસર એટલે દિવાળી. અને જો સર્વે દોષો ટાળીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના દીવડા દિલમાં પ્રગટી જાય તો તેને સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી કહે છે : ‘સખી હૈડે તે હરખ ન માંય આજ દિવાળી રે…’ એવા ભક્તને તો ‘દિન દિન દિવાળી’ જ છે. આ દિવાળીના દિવસે જ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું. તેથી આજ દિવસે ચોપડા પૂજન કરાય છે. અને નવા વર્ષથી શુદ્ધ લક્ષ્મીનું ઉપાર્જન કરીશ તેમજ નીતિથી જ ધન-સંપત્તિ મેળવીશ એવી પ્રતિજ્ઞા આજ દિવસે કરવામાં આવે છે. આ દિવસે અબજો રૂપિયાનું દારુખાનું ફુટતું હશે છતાંય આ દિવસને ફટાકાવલી નથી કહેતા ને દીપાવલી જ કહે છે. કારણ કે દીપક તે જ્ઞાનજ્યોતિનું ચિહ્ન છે.
જેથી જીવનમાં આજ્ઞા-ઉપાસના તથા સંસ્કારો ને સદાચારોના દીપકો પ્રગટાવી, તે જ દીપકોના અજવાળે માયારૂપી અંધકારને પાર કરી પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુધી પહોંચીએ. આ શરીર તો કોડીયું છે, જ્ઞાનરૂપી વાટ છે ને સદ્ગુરુ રૂપી જ્યોત છે. આ સદ્ગુરુ રૂપી જ્યોતના સથવારે વાસ્તવિક પરમ સત્ય તત્ત્વ શોધી તે પરમપદને પ્રાપ્ત કરીએ એજ દીપાવલીનો અર્થ છે. ખરેખર તો દિવાળી એટલે વિદાય લેતા વર્ષનો અંતિમ દિવસ…! આસો માસની ઘોર અંધારી રાત; આ ઘોર અંધારી રાતે ઉજવાતા દિવાળીના તહેવારને પણ પ્રકાશનું પર્વ શા માટે માનવામાં આવે છે ? આની પાછળનું રહસ્ય પણ સમજવા જેવું છે. અંધારુ કાળા કામો કરનાર સિવાય કોઈનેય સ્વપ્નેય ગમતું નથી. કારણ કે અંધારું બિહામણું છે. તેમાં અનેક અનર્થો છૂપાય છે. જરૂરી જરૂરીઆતો જ શોધખોળોની જનની બને છે, તે ન્યાયે આ દિવાળીની રાત્રિનું ઘોર અંધારું જ માનવના મનમાં પ્રકાશ પામવા માટેની પ્રબળ ઝંખના જગાડે છે. તેથી જ આ દિવસે અનેક દીવાઓ પ્રગટાવી અંધકારને હટાવી પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરાય છે. પ્રકાશમાં જ પરમાનંદ ને પરમશાંતિ છે, પ્રકાશમાં જ પ્રગતિ માટેની પ્રવૃત્તિ શક્ય બને છે. અને અંધકાર તો અગોચર અને પ્રગતિને રૂંધનાર તેમજ ભયંકર હોય છે. તેથી જ આપણા આર્ષદૃષ્ટાઓએ કહ્યું છે : તમસો મા જ્યોતિર્ગમય…| ૐ તેજસ્વિ નાવધીતમસ્તુ…| આપ્યાયન્તુ મડગ્લાની વાક્ પ્રાણશ્ચક્ષુ ક્ષોમથો બલમિન્દિયાણી ચ સર્વાણી…|| વગેરે વૈદિક પ્રાર્થના વડે જેમને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ તે જ આપણા ઈષ્ટદેવ લક્ષ્ય છે.
બાકી જગતની રીતે તો ઉત્સવો આનંદ માણવા માટે હોય છે.પરંતુ શાસ્ત્રીય મતાનુસાર ઉત્સવ એ પ્રાર્થના છે અને પ્રાર્થના તે તો દુઃખી હૃદયનો આર્ત પોકાર છે. તે તો સર્વે સાધનો નિષ્ફળ બને ત્યારે પ્રાર્થના જ આધાર બનતી હોય છે. તે પ્રાર્થના જ પ્રભુમાં પાગલ બનાવે છે. તેથી જ કહેવાયું છે : ‘હર દિન નયા હે, હરરાત નિરાલી હૈ; દિલમેં જો પ્રભુ કા પ્યાર હૈ, તો દરરોજ દીપાવલી હૈ.’ ભગવાનના ભક્તને તો ખરેખર ‘મારે દાડી દાડી તે દિવાળી…’ દરરોજ દિવાળી હોય છે. પરંતુ આ વાત જેણે પ્રભુ પ્રેમની પ્યાલી પીધી હોય તેની છે. બાકી આજના ઝંઝાવાતી જગતના માનવીને તો દાડી દાડી દિવાળીને બદલે હોળી સળગતી હોય છે. છતાંય ઘણા ઘમંડી લોકો બોલતા હોય છે કે મેં તારા કરતા દિવાળી વધારે જોઈ છે. ત્યારે તેને કહેવાનું મન થાય કે સારું ભાઈ ! તે દિવાળી તો જોઈ હશે પણ ઉજવી કેટલી ? કારણ કે, આ ઉત્સવ તો વેર-ઝેરને ભૂલી સ્નેહના સાથીયા પુરવાનો છે. વિવિધ રંગોથી રંગોળી સજાવી હૃદયના શાંત ઝરુખે સર્વોપરી ભગવાન શ્રીહરિને સમર્પણની ગાદીએ બેસાડી સદ્ગુણોના દીપકો પ્રગટાવી તેમની પૂજા કરવાનો ઉત્સવ છે. ઉત્સવ પણ સાચા અર્થમાં ત્યારે જ ઉજવાયો કહેવાય કે હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ ઈત્યાદિક અંતઃશત્રુ દૂર થાય. તે વાત ઘણી વખત આનંદ-ઉત્સાહથી બનતી હોય છે. તેથી આદ્ય ઋષિ વાલ્મિકીજી રામાયણમાં લખે છે : ‘સીદન્તિ કર્મસ્વતિદુષ્કરેષુ |’ ઉત્સાહ દ્વારા સંપૂર્ણ સિદ્ધ ઉત્સવ હૃદયમાંથી તમસ્ – અસત્ અને મૃત્યુ આ ત્રણ ભાવને હટાવી દે છે. શ્રીજીમહારાજે આ ઉત્સવ ગઢપુર, વડતાલ, સરધાર, લોજ, આદરેજ, ભુજ અને કારિયાણી વગેરે ઘણા સ્થાનોમાં કરેલો છે.
દીપાવલીના ઉત્સવમાં મુખ્ય પાંચ દિવસો મનાય છે. દિવાળી આવતા પહેલા સર્વે લોકો ઘરની સાફ-સફાઈ કરી સ્વચ્છ કરે છે. પછી તેમાં રંગોળીઓ પૂરી દીપ પ્રાગટ્ય કરે છે, તેવી જ રીતે આ ઉત્સવમાં હૃદયમાંથી સર્વે દોષોને દૂર કરી નવા સદ્ગુણો ભરી પ્રેમના દીપ પ્રગટાવવાનું પર્વ છે. તેથી જ કહેવાયું છે : ‘જીવન રૂપી પુષ્પનું પ્રેમ એ મધ છે.’ પ્રેમથી જીવન જીવીને પ્રભુને પ્યારા બનીએ એવું ઈચ્છીને સૌ સાથે મળી, આગામી આવા ભવ્ય, પવિત્ર અને નવલા દિવસોમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ : ‘સંગચ્છધ્વં સંવદધ્વં સં વો માનાંસિ જાનતામ્ સમાના હદયાનિ વઃ |’ – અમે સાથે રહિએ, સાથે પ્રગતિ મેળવીએ, અમારા સૌના હૃદય સમભાવનાનો સાગર બનો. નૂતન વર્ષના પ્રારંભમાં આપણે આર્તનાદથી પ્રાર્થના કરીએ : “હે મહારાજ ! ‘અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ | તસમાત્ કારુણય ભાવેન રક્ષ મામ્ પરમેશ્વર ! ||’ – અમારે બીજાનું શરણું નથી તેમજ અન્ય કોઈના શરણની ઈચ્છા પણ નથી. તમારું એકનું જ શરણ છે, હું તમારે શરણે આવ્યો છું, આપ આપની કરુણામય દૃષ્ટિથી મારું સર્વ પ્રકારે રક્ષણ કરો… રક્ષણ કરો…!!” આમ, શ્રીજીમહારાજને પ્રાર્થના કરીએ અને સાથોસાથ સદૈવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહીએ, ષડઅંગી સંપ્રદાયનો જ હંમેશા સંગ રહે તેવી અરજ કરીએ. કારણ કે :- ‘ઉગ્યો દિનેશ નવ ભર્યા ભર્યા પ્રભાતે, આદેશ આજ જનમંગલકાજ આપે; હું તો સદૈવ ગગને અવિરામ ઘુમું, તીર્થો કરી પવિત્ર સંગ પદાબ્જ ચુમું.’
આ દીપોત્સવ તથા નૂતન વર્ષ તે આપણા જીવનનું યાદગાર વર્ષ બને, આ મનુષ્ય દેહે કરી આત્યંતિક કલ્યાણ માટેનું અમૂલ્ય ભાતું બની રહે તેવું આ વર્ષ વીતે; તેવી સર્વાવતારી, સર્વોપરી, સર્વકારણના કારણ, અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના કરી ખૂબજ મજબૂત મન કરી તેના સથવારે અડગ કદમો ભરીએ. મોજથી… આનંદથી… ઉત્સાહથી.. ઉમંગથી નવા વર્ષની શરૂઆત કરીએ…!!! ‘કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’
English
Diwali, also known as the Festival of Lights, is celebrated on Aso Vad Amas and is the most widely celebrated Indian festival. Diwali signifies the victory of good over evil and is not only a Hindu festival as it is celebrated by all Indians. For five days, children and adults come together wearing their finest clothing and joyously celebrate this occasion. Hindu families start preparing for Goddess Lakshmi’s arrival weeks in advance by decorating their porches with colorful designs, or rangoli, preparing sweets and savories, and lighting divos.rnrnOn the night before Diwali, devotees light divos, symbolically asking Bhagwan to expel their ignorance and enlighten their souls. Lights, candles, and fireworks are an integral part of the decor and festivities. The festival starts on Dhan Teras, when devotees pray to the Goddess Laxmi for ethical economic prosperity and success in their careers. The festivities then continue with Sharda Pujan, when businessmen and students purify their accounting ledgers and academic books.rnrnThousands of families gather at the mandirs to celebrate the festival in a traditional fashion. The celebrations include delectable vegetarian cuisine, cultural programs, and forms of traditional entertainment. Special Diwali celebrations are organized for children and youths to preserve the true spiritual import of the festival.rnrnThere Are Several Stories Related To The Origins Of Diwali:rnrn- Shree Krishna vanquished Narkasur, an evil demon, releasing people from captivity and misery.rn- The Goddess of Wealth, Laxmiji, emerged from the ocean when the devas and asuras were churning the ocean in search of amrut.rn- Lord Pruthu extracted goodness from the Earth.rn- The Pandavas returned from their 13 year exile in the forest.rn- Shree Rama returned to Ayodhya after defeating Ravan in Lanka.rn- Businessmen and students perform Sharda Pujan to purify their business ledgers and academic books for the coming year.rn- People light divos and ask Bhagwan for inner enlightenment.rn- Lights are used to decorate houses, mandirs, and communities.rn- Fireworks are lit to celebrate the festivities.rn- People decorate their porches with colorful designs and patterns called rangolis.rn- People forgive and forget the misdeeds of their peers in the last year.