Kar Prabhu Sangathe – (કર પ્રભુ સંગાથે દઢ પ્રિતડી રે)
ગુજરાતી
પૂર્વ ઈતિહાસ
દેવાનંદસ્વામી મુક્તમુનિના મંડળમાં ગુજરાત પ્રાંતમાં સત્સંગ વિચરણ સમયે પોતાના જગતનશ્વરતા, પંચવિષયની અરૂચિ, દેહમાં આનસક્તિ, પ્રભુભજનાનંદી હૃદયના ભાવાનુસાર એવાતો કિર્તનો ગાતાં. સમાજમાં એક પ્રભુપ્રત્યેની જબરદસ્ત ચોટ લાગતી. મોટા કવિત્વશક્તિ ધરાવતા.મુક્તાનંદજી, નિષ્કુળાનંદજી, બ્રહ્માનંદજી અને પ્રેમાનંદજીની પંગતમાં બેસનાર બીજા સંતકવિ દેવાનંદ સ્વામી હતા. બ્રહ્માનંદજી અને પ્રેમાનંદજીની જેમ અસલ શાસ્ત્રીય રાગ-રાગણીમાં શબ્દાલંકારથી સભર તેમણે અનેક પ્રાકૃત પદો રચ્યાં હતાં. મુક્તાનંદજી, બ્રહ્માનંદજી અને પ્રેમાનંદજી સાથે સર્વોચ્ચ કોટિના સંત- સંગીતજ્ઞોમાં પણ તેમની ગણના હતી. એમણે ય ખૂબ લખ્યું છે અને લોકહૈયામાં સીધેસીધું ઊતરી જાય એવું સદ્ગ્રંથન કર્યું છે. પૂર્વાશ્રમમાં ચારણ હોઈ ભાષાનાય મુસ્તાક હતા. એમનાં પદો પણ એટલાં જ લોકપ્રિય થતાં, ખાસ કરી સ્ત્રીવર્ગમાં અને ટહેલિયા ભટોમાં કે, આજેય સોરઠ-ગુજરાતનાં ગામડાંઓમાં ટહેલિયાઓ અને ગરીબ બ્રાહ્મણો આંગણે આંગણે એમનાં પદો ગાતા આજીવિકા રળે છે.‘કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે’, ‘કાળના ગડે નગારાં કાળનાં ગડે, અગડ ધેં ધેં ધેં ધેં નગારાં કાળનાં ગડે’ વગેરે પદો સ્વામિનારાયણિયા સાધુઓની ચીમકીઓના અસરકારક ચમકારા લોકોમાં કરી દેતા હતા. ચાલો દેવાનંદસ્વામી સાથે ગાઈયે. એમની જગત નશ્વરતા અને પ્રભુ પ્રેમાળ રચનાને.
કિર્તન :-રાગ : ગરબી
કર પ્રભુ સંગાથે દઢ પ્રીતડી રે,મરી જાવું મેલીને ધનમાલ;
અંતકાળે સગું નહિ કોઈનું રે; ટેક૦
સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જુઠી માયા કેરી જાળ. અં૦ ૧
મારૂં મારૂં કરીને ધન મેળવ્યું રે, તેમાં તારૂં નથી તલભાર. અં૦ ૨
સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતાં ન લાગે વાર. અં૦ ૩
માટે સેવે તું સાચા સંતને રે,તારા ટળશે ત્રિવિધિના તાપ. અં૦ ૪
અતિ મોટા પુરૂષને આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ. અં૦ ૫
એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ. અં૦ ૬
દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે, મનવાંછિત પૂરણકામ. અં૦ ૭
ભાવાર્થોપદેશ :-
હે જીવ ! તું કેવળ પ્રભુ સાથે જ પ્રિત રાખજે. એ પ્રેમ સત્ય છે. આ લોકના ધન-માલ-સગા ખોટા છે. પૂર્વના લેણાદેણી વાળા સંસ્કારાનુસાર જે તે સંબંધોમાં કર્માનુગો ગચ્છતિ જીવરેકઃ કર્માધિન જીવ દેહ પામે છે. આ બધી જૂઠી માયાની આપણે જ કર્મવાદ પરત્વે રચેલી માયાજાળ છે. મારૂં મારૂં કરીયે છીએ તે વિચારો જોઈ ? ક્યાં સુધી આપણું રહેશે ? જો નથી રહેતું તો તેને વિશેષ મેળવવા શા માટે દોડધામ કરવી ? શા માટે મિથ્યા રૂચિ રાખવી ? પ્રકૃતિમાંથી જન્મ્યુ તે દુઃખ વિનાનું હોય જ નહિં એમ સ્વામી ગુણાતીતાનંદજી લખે છે. માટે એનો સ્વપ્નવત્ ત્યાગ કરો. સાચા સંતને સેવી સાર અસાર સમજો તો આધિ-વ્યાધિ-ઉપાધિ ત્રિવિધતાપ ટળશે. કોઈ ભગવાનને ધારી રહેલ પંચવિષયથી વૈરાગ્ય પામેલ કેવલ ભગવત્ સ્નેહિનો આશરો કરી લઈ છેલ્લો જન્મ કરી લેવો. પૂર્વજન્મના પાપ પણ આવા સંતો જ બાળી શકે છે. એવું સમજી મંડી પડો. ભગવાનનું સદૈવ ભજન કરો. વિષય મળે ત્યારે ધીરજતાનો ત્યાગ ન કરવો. વિચારવાન બની, વિષયદુઃખદાયક છે એવું જાણપણું જ ભગવાનના ધામનો દરવાજો છે. એમ સમજી સુખકારી સનેહિ શ્રીહરિમાં જ સ્નેહ કરજો. દેવાનંદસ્વામી કહે મારો વાલો સ્વામિનારાયણ મહાપ્રભુ મનવાંછિત આપનારા પૂર્ણકામ, સત્યકામ, સત્યસંકલ્પ છે જે માયાજાળથી જરૂર છોડાવી પરમપદ આપશે.
પદ-૨
તારે માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર,
તોય જાણ્યા નઈ જગદીશને રે,મોટા મે’લીને રાજ મરી ગયા રે,
જોને જાતાં ન લાગી વાર…તોય૦ ૧
તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ…તોય૦ ૨
અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેષ…તોય૦ ૩
રોમ કોટિ વીંછી તણી વેદના રે, દુઃખ પામ્યો તું દૈવના ચોર…તોય૦ ૪
સગાં સ્વારથી મળ્યાં સહું લૂંટવા રે, કેનું જરાય ન ચાલે જોર…તોય૦ ૫
જીભ ટૂંકી પડીને તૂટી નાડિયું રે, થયું દેહ તજ્યાનું તતકાળ…તોય૦ ૬
દેવાનંદ કે ન જાણ્યા મારા નાથને રે, મલ્યો માણસનો દેહ વિશાલ…તોય૦ ૭
ભાવાર્થોપદેશ :-
આવા કિર્તનોથી ગ્રામીણ પ્રજાજનોને સરળ બોધથી જ સમજાવે છે કે ભાઈ! આપણા માથે કાળના નગારા ગડગડી રહ્યા છે. વાગી રહ્યા છે. આવા ધેં ધેં ધેં જોરદાર નગારા વાગે છે. ખ્યાલ છે કે કાળ સૌને અંતે લેવા આવે છે. મૃત્યુ નજીક છે. જાતસ્ય હિ ધૃવો મૃત્યુ. માથે કાળની નાળ્યું મંડાણી છે. કાળની નૌબતો વાગે છે. જુઓને દેહમાં કાંઈ રહેવા દીધું નથી. હાડગળે છે. દાંત પડી ગયા. વાળ ધોળા થયા. પગ ચાલે નહિં. ઝાડા પેશાબની મુશ્કેલી – જાણે કાળે આપણું દેહરૂપ રાજલૂંટવા માંડ્યું છે. ખોટી મોહની ફોજું કાળ સામે કેટલી ઘડી ભાઈ ! વિચાર ! આંખો બંધ કરીને ઠાવકો બેસી રહેમાં અને ખોટાજ મનસૂબા વિચારો, ટેન્શન રાખી રહે છે. સાવધાન વિચારો છોડ્ય ! ભજન કર્ય ! કાળની ચિઠ્ઠી આ દેહનગરીમાં આવી, વાંચી જીવાત્મા ટળવળે ત્યારે માત્ર એક ધણી શ્રીહરિ છે. એને છોડીશ તો ઓચિંતો કાળ તને અડી જશે. લઈ જશે.માટે રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહિં.કાયા થાશે તારી ઝાંઝરી. પછી બેઠું રેવાશે નહિં. દેવાનંદસ્વામીના નાથને ભજ્યા વિના હે પ્રાણી તું નરકે જઈ પડીશ. ત્યાં દયાનો છાંટો નથી. ત્યાં શ્રીહરિનથી, સમજ્ય ! ભગવાનનું ભજન કર્ય !!