Lord Swaminarayan and British Governor Sir Malkam at Rajkot
ગુજરાતી
ભગવાન સ્વામિનારાયણ અને અંગ્રેજ સર માલ્કમ નો રાજકોટ માં મેળાપ.
શ્રીજી મહારાજ ગાડીમાં બિરાજ્યા. ત્યાંથી ચાલ્યા તે ગામોગામના સત્સંગીઓને દર્શન દઇને ગામ રાજકોટ સંવત્ ૧૮૮૬ના ફાગણ સુદ પાંચમને દિવસે પધાર્યા. ત્યાં ગવર્નર સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેન્ડની પલટન પડઘમ ઢોલ, શરણાઇ આદિ વાજીંત્રો લઇને સામે આવી, એ વખતે ગામ-પરગામના સત્સંગીઓએ હારો લાવીને મહારાજને પહેરાવ્યા. અને સોનાના ઇંડાએ યુક્ત જે છત્ર તે શ્રીજી મહારાજ ઉપર શોભી રહ્યું હતું. બન્ને બાજુ ચામર ઢોળાઇ રહ્યાં હતાં એવી રીતે ચાલ્યા તે ગામના કેમ્પ વચ્ચે ઉતારો કર્યો. ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા. ગામના સર્વે સત્સંગીઓ સામાન લાવ્યા, સંતો રસોઇ કરવા લાગ્યા. બ્રહ્મચારીએ થાળ કરાવ્યો, મહારાજ જળના કોગળા કરીને થાળ જમવા બિરાજ્યા, જમીને ચાળુ કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા. પછી જાગીને જળપાન કરીને ઢોલિયે બિરાજ્યા. સંતો, પાળા, કાઠીઓ અને ગામ-પરગામના સત્સંગીઓ હાર પહેરાવી ભેટો મેલીને પગે લાગીને બેઠા.
પછી મશાલ આવી તે આરતી ધૂન્ય બોલીને પગે લાગીને બેઠા. અને મહારાજ ઢોલિયે પોઢ્યા. અને વહેલા જાગીને નિત્યવિધિ કરીને થાળ જમ્યા અને જળપાન કરીને મુખવાસ લીધો પછી ઢોલિયે બિરાજ્યા. પછી શ્વેત વસ્ત્ર પહેરીને સાબદા થયા અને સાહેબની પલટન આવી અને પડઘમ આદિ વાજિંત્રો વાગવા લાગ્યાં. મહારાજ ઘોડીએ સવાર થયા, બન્ને બાજુ ચામર થઇ રહ્યાં હતાં. સંતો, હરિભક્તો અને પાળાઓ તેમણે સહિત સાહેબના બંગલામાં આવ્યા. ત્યારે સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેન્ડ તે બન્ને જણાએ ટોપી ઉતારીને સામા આવીને પગે લાગ્યા. મહારાજને ભારે સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યારે પટાવાળાએ સાહેબને પૂછ્યું જે, કેટલાં મનુષ્યોને અંદર આવવા દેવાં ? ત્યારે સાહેબે કહ્યું જે, સ્વામિનારાયણ કહે તેને આવવા દેવા ત્યારે મહારાજે કહ્યું : જેને કંઠી અને ચાંદલો હોય તેને આવવા દેજો.
પછી મહારાજે સાહેબને ખબર પૂછ્યા અને તેમને કહ્યું જે, તમો બ્રાહ્મણને ફાંસી દ્યો છો, અને ગાયને મારો છો, તે સારું નથી. ત્યારે સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેન્ડ બોલ્યા જે, સ્વામિનારાયણ ! એક બ્રાહ્મણે ત્રણ મનુષ્યો માર્યાં ત્યારે અમે એમ જાણ્યું જે, એ બ્રાહ્મણનું બીજ જ નહીં હોય. ત્યારે તે બ્રાહ્મણને ફાંસી દેવરાવી. અને મોટાં જે તીર્થો છે તેમાં તો અમે ગાય મારવા દેતા નથી, અને બીજું તો તમને જેમ જુવાર, બાજરી અને ચોખા તે ખોરાકી છે. તેમ અમારા લોકોને તે ખોરાક છે.
પછી સાહેબે મહારાજને પૂછ્યું જે, તમારા લોકમાં સતી થાય છે. તેનું કેમ છે ? પછી મહારાજે ઉત્તર કર્યો જે, જેનો પતિ મરી જાય અને તેના મનમાં એમ થાય જે, આપણા દિવસ નહીં જાય, અને લાજવાળાં જે મનુષ્યો હોય તેનું આપોઆપ મૃત્યુ થાય તે ઠીક છે અને પતિ મરી જાય અને તેના મનમાં એમ હોય જે, આપણે પ્રભુનું ભજન કરીશું, તેને ન બળવું તે સારું છે. તે વાત સાંભળીને સાહેબે કહ્યું જે, હવે હમ બંધ કરેગા. ત્યારે મહારાજે કહ્યું જે, જેને મરવું હશે તેતો જીભ કરડીને પણ મરશે અથવા કૂવે પડીને મરશે. માટે તેને વાત કરીને સમજાવવા. પછી તે સાંભળીને સાહેબલોક બહુ રાજી થયા અને બોલ્યા જે, અહોહો !!! નારાયણ સ્વામી ! આપને બહોત અચ્છી સલાહ દિયા.
પછી મહારાજે કહ્યું જે, અમારા ભત્રીજા જે, અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી છે તેમને અમદાવાદ તથા વડતાલના મંદિરમાં બન્નેને અમે દત્તપુત્ર કરીને મંદિરના તથા સત્સંગીઓના આચાર્ય કરીને અમારી ધર્મની ગાદી ઉપર બેસાડ્યા છે. ત્યારે સર માલ્કમ તથા પોલીટીકલ બ્લેન તે બન્ને સાહેબે કહ્યું જે, ધર્મની પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલશે, હે નારાયણ સ્વામી ! અમે નિત્ય સવારે ઊઠીને પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ જે, હે પરમેશ્વર ! અમારા ગુના માફ કરશો અને અમારા શત્રુઓનું તથા મિત્રોનું પણ સારું કરજો, એમ પરમેશ્વર પાસે માગીએ છીએ. પછી મહારાજે કહ્યું જે, અમે શિક્ષાપત્રી લખી છે. તેમાં સર્વેના ધર્મ લખ્યા છે. ત્યારે સાહેબે કહ્યું જે, તે પુસ્તક અમને આપો ત્યારે મહારાજે દાદાખાચર પાસેથી શિક્ષાપત્રીનો ગુટકો લઇને સર માલ્કમને આપ્યો, તે સાહેબે લઇને માથે ચડાવ્યો અને પોતાની પાસે રહેનારાને આપ્યો. પછી મહારાજે કહ્યું જે, અમે દાદાખાચરના દરબારમાં રહીએ છીએ. ત્યારે તે સાહેબે કહ્યું જે, દાદાખાચર ! તમે મોટા ભાગ્યવાળા છો; કેમ જે તમારા દરબારમાં આવા કલ્યાણકારી પરમ પુરુષ રહે છે.
પછી સર માલ્કમે બ્રાહ્મણ પાસે મહારાજની ષોડશોપચારે કરીને પૂજા કરાવી પછી ભારે શાલનો જોટો ઓઢાડીને પછી સદ્ગુરુઓ આગળ ભારે ભારે વસ્ત્રનાં થાન (તાકા) મેલ્યાં, દાદાખાચરને પણ શાલ જોટો ઓઢવા આપ્યો. ત્યારે દાદાખાચરે ના પાડી અને કહ્યું જે, અમેતો તાલુકેદાર છીએ, ત્યારે સર માલ્કમ સાહેબે કહ્યું જે, લ્યો ત્યારે લીધો. ત્યાર પછી મહારાજે સાહેબ પાસેથી રજા માગી જે અમારે ચાલવું છે. અમારે શરીરે કસર સાંભળીને ગુજરાતમાંથી હજારો મનુષ્યો ગઢપુર આવ્યાં છે.
પછી સર માલ્કમ તથા પોલીટીકલ બ્લેન સાહેબ ટોપી ઉતારીને હાથમાં લઇને આગળ ચાલ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ઊભા રહો. એમ કહીને મહારાજ ઘોડીએ સ્વાર થઇને ચાલ્યા તે જેવી રીતે ગયા હતા તેવીજ રીતે વાજતે ગાજતે ઉતારે પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે સમઢીયાળા ગામમાં આવીને રાત રહ્યા, ઢોલિયે બિરાજ્યા. બ્રહ્મચારીએ થાળ કરાવ્યો. તે જમીને જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા, પછી વહેલા જાગીને નિત્યવિધિ કરીને સાબદા થઇને ચાલ્યા તે ગામ ખોખરા (ભૂપગઢ) પધાર્યા. પટેલ કાનો તથા વસ્તો તેમણે ગાજતે વાજતે પોતાના ફળિયામાં ઘણા માનથી પધરાવ્યા અને ત્યાં ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા.(શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૮૭)