New Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)
ગુજરાતી
કારતક સુદ પડવાનો દિવસ એ વિક્રમ સંવત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ. ભગવાન શ્રી વ્યાસ કહે છે : ‘યો યાદૃશેન ભાવેન તિષ્ઠત્યસ્વાં યુધિષ્ઠિર ! | હર્ષદૈન્યાદિરુપેણ તસ્ય વર્ષ પ્રયાતિ વૈ ||’ – ‘હે યુધિષ્ઠિર ! જે વ્યક્તિ નૂતન વર્ષના આનંદમાં રહે છે તેનું આખું વર્ષ આનંદમાં વીતે છે.’ જે દુઃખમાં રહે છે તેનું આખું વર્ષ દુઃખમાં વીતે છે. તેથી આ દિવસ તો પૂરા વર્ષના આનંદ અને સુખને પામવાનો દિવસ છે.
જેમ દિવાળીને દિવસે દીપમાળા રચાય છે તેમજ આ દિવસે પણ સુંદર દીપમાળા રચાય છે. શ્રીજીમહારાજ પણ કારિયાણીમાં સં. ૧૮૭૭ના આસો વદી અમાસ અને કારતક સુદ પડવાને દિવસે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર છપરપલંગ બિછાવ્યો હતો, તેવી શોભાએ યુક્ત બિરાજમાન થયા હતા.
દીપમાળાની સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ સમક્ષ ભક્તો ફટાકડા પણ ફોડતા. તેનું વર્ણન શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે કર્યું છે :
‘દીપોત્સવી હતી તે દિને, રાતે રૂડી રચી દીપમાળ;
વચે વિરાજે વાલમો, પરમેશ્વર જનપ્રતિપાળ.
દર્શન કારણ દેવતા, રૂડું દીપકનું ધરી રૂપ;
શું અવનીમાં આવિયા, એવો ભાવ જણાય અનૂપ.
તાલ મૃદંગ બજાવિને, કરે ઉત્સવ સંતસમાજ;
દારુખાનાનાં રમકડાં જોતા, થઈ ક્રોડ દિવાળી આજ.
કોઠીયો ઝાડ બપોરિયા, એવો દારુખાનાનો ખેલ;
કર્યો કૃપાળની આગળે, જોઈ રીઝયા રૂદે રંગરેલ.’
જો કે શ્રીજીમહારાજને ફટાકડા બહુ ગમતા નહિ તેની નોંધ કરતા સ.ગુ. શ્રી આધારાનંદ સ્વામી પોતાના ગ્રંથમાં કહે છે : “આ હરિભક્તોના છોકરા બાળબુદ્ધિ હોવાથી બપોરિયાં ને ફટાકડા ફોડતા. શ્રીહરિ તેમનો ખેલ જોઈને હસતા. ભક્તોને કહે : આવી રમત સારી નહીં. હાથ-પગ-મોઢું બળી જાય તેવી આ રમત છે.” નૂતન વર્ષના દિવસે શ્રીજીમહારાજ અન્નકૂટની પણ ઉજવણી કરતા. જાતે કંકોત્રી લખાવી અનેરો ઉત્સાહ દાખવતા. ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસે ઈન્દ્રના બદલે ગોવર્ધન આગળ અન્નકૂટનો મોટો ઉત્સવ કરી આ દિવસને અન્નકૂટોત્સવ તરીકેની ખ્યાતિ અપાવી છે.
નવા અનાજની નવી નવી વાનગીઓ ધરાવીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે છે. તેમ કરવાથી આખુંય વર્ષ ભગવાનની પ્રસાદિરૂપ પવિત્ર અન્ન જમવાની ભાવના અને બધું ભગવાનનું જ છે, તેમનું આપેલું આપણે જમીએ છીએ તો તેમને અર્પણ કરી પછી આપણે જમવું તેવી ભાવના વ્યક્ત કરતા આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અન્નકૂટ ભગવાન સમક્ષ અર્પણ કરી ઉત્સવના પદો તથા થાળ-આરતી વગેરે ઉત્સાહથી ગવાય છે. સાંજ સુધી આ દર્શન રાખવામાં આવે છે. પછી તે જ પ્રસાદ સર્વે ભક્તોને વહેંચવામાં આવે છે.
શ્રીજીમહારાજ સમકાલીન ઘણા ઘણા અન્નકૂટના ઉત્સવો થતા. તેમાં સં. ૧૮૭૧ના વર્ષનો ગઢપુરનો અન્નકૂટોત્સવ ખૂબજ પ્રસિદ્ધ છે. આ ઉત્સવમાં સર્વે સ્ત્રીભક્તોની પવિત્રતાની સાથે ધર્મ સહિતની ભગવાન શ્રીહરિ પ્રત્યેની નિષ્કામ ભક્તિ જોઈ ખુદ ભક્તિમાતાએ સૌ સ્ત્રીભક્તોને દર્શન આપ્યા હતા. તે વખતે સ્ત્રીભક્તોએ પોતાને ત્યાં ભક્તિમાતાને રોકાવાનો અતિ આગ્રહ કર્યો. ત્યારે ભક્તિમાતા કહે : “હું પતિવ્રતા સ્ત્રી છું. તમે મારા પતિ ધર્મને રાખશો તો હું હંમેશા રહીશ જ. અને અમે બંને જ્યાં હશું ત્યાં અમારા પુત્ર ઘનશ્યામ પણ હોય જ.” આમ, ભક્તિમાતાએ સ્ત્રીભક્તોને ઉપદેશસભર આશીર્વાદ આપ્યો હતો.
અધર્મ અંધારું ટાળવા ‘પ્રેમે પ્રગટેલા સૂરજ સહજાનંદ’નો પ્રકાશ આપણે કેટલો ઝીલ્યો તે અંતર્દૃષ્ટિ કરવાનો દિવસ એટલે જ બેસતું વર્ષ. તેથી જ સ.ગુ. શ્રી ભૂમાનંદ સ્વામીએ ગાયું છે :
‘એજ દિવાળી રે દેહ મનુષ્યનો રે, આવ્યો અતિ દુર્લભકાળ જેહ;
તે જ તુજને મળ્યો જેને ઈચ્છે છે દેવતા રે, તેમાં લવ નથી સંદેહ;
ભૂમાનંદ કહે છે રે અવસર આવિયો રે, તેમાં તારું લેને સુધારી કાજ…’
આ કીર્તનના શબ્દાનુસાર શ્રીજીમહારાજે કારિયાણીમાં બેસતા વર્ષના પવિત્ર દિવસે વાત કરી : “દેહના સંબંધી સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે.” નવા વર્ષના મંગલ પ્રભાતે આપણા જીવનનો નવો હિસાબ શરૂ કરીએ. ભગવાન શ્રીહરિ ગઢડા પ્રથમ પ્રકરણના ૩૮, ૬૦ અને સારંગપુર પ્રકરણના ૧૮મા વચનામૃતોમાં કહ્યા પ્રમાણે હું મારા મોક્ષના માર્ગે કેટલો આગળ વધ્યો. આ સત્સંગમાં પ્રતિદિન ખોટ કરું છું કે નફો કરું છું તેનો હિસાબ માંડીએ. જેથી કરી વીતેલા ખોટના દિવસો ફરી ન આવે એવી નૂતન વર્ષના મંગલ પ્રભાતેથી શરૂઆત કરીએ. કારણ કે વર્ષના પ્રથમ દિવસે જ એવી અસર આપણા જીવન પર પડે કે તેનું સ્મરણ ચિરગામી બની રહે. ખરેખર નવાં વર્ષની જીવનમાં કંઈ નવીનતા ન પ્રગટે તો ‘જૂનું વર્ષ’ એ નિરર્થક શબ્દો બને. તેથી જ તો ‘જાગ્યા ત્યારથી સવાર – ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું.’ આ નવા વર્ષના સૂત્રો હોવા જોઈએ. તે સાથે જ જો નવા વર્ષનો પ્રારંભ થાય તો સામાન્ય માનવ પણ મહાનતાના ઉત્તુંગ શિખરોને આંબી શકે. આપણા સંકલ્પોમાં પ્રાણ પૂરવાની જવાબદારી આપણી જ છે. તેથી જ ગવાયું છે : ‘નવો દીસે, આવેશ જીવનમાં, નવું જગત આ લાગે છે; ખરો ભક્ત તો નવા વર્ષમાં, નવું જીવન એ માગે છે.’ ભક્ત પણ તેને જ કહેવાય કે જે કંઈક જીવનમાં જૂના સ્વભાવોને છોડી પોતાના ઈષ્ટદેવને ગમે તેવું જીવે. તેથી કહેવાયું છે : ‘પ્રામાણિક માનવી એ ભગવાનની ઉત્તમ કૃતિ છે.’ જો આપણે ખરા અર્થમાં માનવી બનીશું તો હવે પછી ‘મા’ નવી નહિ કરવી પડે, એટલે કે આ છેલ્લો જન્મ થઈ જશે. તેવી શુભ કામના સાથે નૂતન વર્ષના પ્રારંભથી જ ધર્મમય જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ’ જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે. એ ન્યાયે આપણે સર્વે આ નૂતન વર્ષથી શ્રીજીમહારાજની સર્વે આજ્ઞાને પાળવાની ટેક લઈશું તો મહારાજ જરૂર આપણી રક્ષા કરશે જ.
ભગવાન શ્રીહરિએ આ ઉત્સવ વનવિચરણમાં સિદ્ધવલ્લભ રાજાના સીરપુર રાજ્યમાં કર્યો હતો. ત્યારબાદ લોજમાં મુક્તાનંદ સ્વામી આદિક સંતોની સાથે કરેલો. પીપલાણામાં તથા જેતપુરમાં ગુરુવર્ય રામાનંદ સ્વામીની સાથે આ ઉત્સવ ઉજવેલ. ત્યારબાદ શ્રીજીમહારાજે સત્સંગની ધર્મધુરા સંભાળ્યા પછી ગઢપુર, ભાડેર, સરધાર, કારિયાણી, અમદાવાદ, વડતાલ વગેરે ધામોમાં અતિ ધામધૂમથી ઉજવ્યા હતા.
તો ચાલો, આપણા હૃદયમંદિરમાં પ્રભુ પધરાવી સદ્ગુણોનું સુશોભન કરી ભગવાન શ્રીહરિને રીઝવીએ અને સાચા અર્થમાં રોજ-રોજ દિવાળીનો આનંદ માણીએ…!!આ બધા વિચારોને જીવનમાં આત્મસાત્ કરીએ તો જીવનમાં રોજ-રોજ નવું વર્ષ અને રોજ-રોજ નવલું અરુણ પ્રભાત…!!!
જય શ્રી સ્વામિનારાયણ.
English
The day after Diwali, Kartak Sud 1, marks the beginning of the New Year. On this day, an annakut, or a ‘mountain of food,’ is offered to Bhagwan as a symbol of appreciation and gratitude. Devotees lovingly prepare vegetarian delicacies and offer them to Bhagwan while singing thal. People put on their finest clothing and head to the mandir early in the morning to participate in the first aarti of the New Year. Sharing sentiments of joy, people greet each other by saying “Nutan Varsha Abhinandan” and “Saal Mubarak.”
Two Spiritual References Explain The Origins of This Festival:
On Kartik Sud 1, Lord Vaman asked King Bali for 3 feet of land. King Bali pleased Bhagwan by surrendering the heavens, earth, and himself in the last foot of land. Lord Vaman offered to grant King Bali a boon. King Bali asked for Lord Vaman to guard his door in the underworld forever.
By the end of the month Aso, the monsoon season ends. People bring home the fresh harvest and cook delicious food for Bhagwan. Traditionally, in Gokul the food was offered to Indra Dev, the God of Rain. Shri Krishna noticed this practice and questioned it. Shri Krishna’s father, Nandbaba, explained that since Indra Dev graces the land with rain and makes it fertile, food is traditionally offered to him. Shri Krishna told his father that Bhagwan gives people the fruits of their karma. He further explained that it would make most sense to perform puja of Mt. Govardhan who initiates the rain cycle and commanded everyone to act accordingly. When Indra Dev discovered that the people of Gokul were performing Mt. Govardhan’s puja instead of his, he was infuriated. Indra Dev threatened to drown Gokul in rain. However, Shree Krishna lifted Mt. Govardhan with his finger and sheltered the villagers from the rain under the mountain for 7 days.
People offer an Annakut, which literally translates to ‘mountain of food,’ to Bhagwan.
People wish one another a prosperous New Year by saying “Nutan Varsha Abhinandan” or “Saal Mubarak.”
People pray to God for success in the coming year.
Early in the morning, Hindus go to the mandir for the first aarti of the New Year.