નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ
ગુજરાતી
માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ માત્ર 11 વર્ષની કુમળી વયે બાળ ઘનશયામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નિકળી પડ્યા. ગૃહ ત્યાગ વખતે તેમની સાથે જે વસ્તુઓ લીધી હતી તેમાં કોપીન તથા તેનું આચ્છદન વસ્ત્ર, મુંજની કટીમેખલા, પલાશ દંડ, મૃગચર્મ, જળગળણું, ભિક્ષાપાત્ર, કમંડલું, શલિગ્રામ અને બાલમુકુંદનો બટવો, જપમાળા તથા સત્ શાસ્ત્રોનો સાર લખેલા ગુટકાનો સમાવેશ થતો હતો
વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠ વર્ણીએ 7 વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાં 6 માસ સુધી એક પગે ઉભા રહી તપ કર્યું. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ગોપાળ યોગીને પોતાનાં ભગવાન પણાંનો નિશ્ચય કરાવી પોતાનાં ધામની પ્રાપ્તિ કરાવી.
ત્યાંથી નીલકંઠ વર્ણી આદિવરાહ તીર્થમાં આવ્યા. ત્યાંથી વંગ દેશમાં સીરપુર નામનાં શહેરમાં આવ્યા. અહીંના રાજાએ સોએક જેટલા વિવિધ પંથ અને મતના સિદ્ધોને ચાતુર્માસ કરવા માટે આશ્રય આપ્યો હતો. તેમાંના ઘણા દંભી અને બડાઇખોર હતા. નીલકંઠને પણ રાજાએ આશ્રય આપ્યો. પરંતુ વર્ષાઋતુનાં તાંડવમાં બધા સિદ્ધો તપમાંથી ઉઠી ગયાં. માત્ર નીલકંઠ બેઠા રહ્યા. આને કારણે પેલા સિદ્ધોને અસૂયા થઇ અને નીલકંઠને મારી નાખવા તાંત્રિક ઉપાયો કર્યા. પરંતુ સફળ ન થયા તેથી તેઓ પણ નીલકંઠ પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા લાગ્યા.
સીરપુરથી નીલકંઠ સિદ્ધો સાથે કામાક્ષી દેવીના મંદિર પાસેના એક ગામ નજીક આવી પહોંચ્યા. ત્યાં પિબેક નામે કોઇ વામપંથી બ્રાહ્મણ મલિન ઉપાસનામાં રત રહેતો. પોતાની મલિન સિદ્ધિઓથી ઘમંડમાં આવીને તેણે નીલકંઠની સાથે આવેલાં બધા સિદ્ધોને પોતાના શિષ્યો બનવા અથવા મૃત્યું માટે તૈયાર રહેવા જણાવ્યું. સિદ્ધો ડરીને તાબે થવા તૈયાર થઇ ગયા ત્યારે નીલકંઠે તેમને વાર્યા અને આવા અતિ ક્ષુદ્ર તથા દુરાચારીથી ભય ન ફેલાવવા જણાવ્યું. તેમણે પહેલાં પોતાને શિષ્ય બનાવવા પિબેકને કહ્યું. પિબેકે નીલકંઠ પર કરેલા તમામ અભિચારો નિષ્ફળ ગયા. આખરે નીલકંઠના પ્રભાવથી મલિન ઉપાસના છોડીને પિબેક સાચે માર્ગે વળીયો.
આ પછી નીલકંઠ વર્ણી નવલખા પર્વત પર ગયા અને ત્યાં તપ કરતાં નવ લાખ યોગીને તેટલા જ રૂપ ધરીને એકસાથે મળ્યા. ત્યાંથી બાલવા કુંડ નામે તીર્થમાં જઇને ગંગાસાગર પહોંચ્યા. ત્યાંથી કપિલાશ્રમ થઇ જગન્નાથ પુરી પહોંચ્યા. અહીં લગભગ 10 માસ રહ્યા.
આ મોટું તીર્થસ્થાન હોવાથી અનેક પ્રકારના સાધુઓ, ખાખી બાવાઓ, વેરાગીની જમાતો વગેરે રહેતા હતા. તેમાંના ઘણા માંસ, મદિરા, મૈથુન, મંત્રતંત્ર વગેરેમાં માનનારા તો કેટલાક હથિયારો ધારણ કરનારા જનૂની ટોળા હતાં. તેઓ ધર્મૌનું જે વિકૃત ચિત્ર ઉપસાવતા હતા તેની સામે કિશોર વયના નીલકંઠ પોતાના ત્યાગ અને શીલને કારણે લોકોના આદરને પાત્ર બન્યા. તેથી આ વેરાગીઓને ઇર્ષા થઇ. તેમાંથી તેઓ અંદરો અંદર હથિયારોથી લડ્યા અને આશરે 10 હજાર જેટલા આસુરી વૈરાગીઓ માર્યા ગયા.
જગન્નાથપુરીથી તેઓ દક્ષિણ તરફ ગયા. ગુપ્ત પ્રયાગ, સુંદરરાજ થઇ કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી વળતાં પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ થઇને મલયાચલમાં દર્શન કરીને, કિષ્કિંધા થઇને પંપા સરોવર આવ્યા. ત્યાંથી પંઢરપુર, દંડકારણ્ય થઇને નાસિક પહોંચ્યા. છેલ્લે માંગરોળથી નજીક લોજ ગામે રામાનંદ સ્વામીના સાધુનો મેળાપ થતાં તીર્થાટનની સમાપ્તિ થઈ.