Shakotsav – શાકોત્સવ
ગુજરાતી
માણસની મૂળભૂત જરૂરિયાત શું?
રોટી, કપડા, મકાન અને તેમાંયે સૌથી વધુ અને મહત્વની જરૂર એટલે રોટી અર્થાત અન્ન.
અને આમેય સ્વામિનારાયણ સંપ્રદાયને માટે કહેવાય છે કે ‘મંદિરોમાં તાવડો પાવડો ને નગારું એ ત્રણેય બંધ ના હોય…’ અહીં પાવડો- બાંધકામ, નગારું – ભજન અને તાવડો એટલે ભોજન, નાના મોટા ઉત્સવ-સમૈયા હોય કે સત્સંગ સભાના આયોજનો હોય… દરેક જગ્યાએ સમય-સગવડતા મુજબ મહાપ્રસાદ કે અલ્પાહારનું આયોજન તો હોય જ.અને આ જમાડીને તૃપ્તિનો આનંદ આપનાર સેવાગુણના પ્રવર્તક હતા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ…
કહેવાય છે કે ભજન અને ભોજન સાથે જોઈએ. ભૂખ્યા પેટે ભજન ના થાય અને એટલે સંપ્રદાયના સમૈયા – ઉત્સવોમાં ભોજનની વ્યવસ્થા પણ જોવા મળે છે. બ્રહ્મચોરાશી, જેતલપુર અને ડભાણમાં યજ્ઞો સમયે બ્રાહ્મણોને જમાડી ખુબ તૃપ્ત કરેલા… પંચાળામાં વિચરતી જાતીના લોકોને સેલણ જમાડ્યુ. અત્યંત માંદગીમાં સપડાયેલા સેવકરામ જલ્દી સાજા થાય તે માટે સ્વયં ભગવાન પોતે સારા પકવાન અને રાબ બનાવી તેમને જમાડતા. પ્રેમાનંદસ્વામીને તો દરરોજ પોતાનો અર્ધો થાળ આપી જમાડતા. મહારાજ પંક્તિમાં પીરસવા આવે અને ત્યારે સંતોને પ્રેમથી આગ્રહ કરી જમાડતા અને સંતો તૃપ્ત થાય પછી સિંહ ગર્જના ના કરે ત્યાં સુધી પીરસતા અને જમાડતા.
સંપ્રદાયમાં શાકોત્સવની લીલા સુપ્રસિધ્ધ છે… શાકોત્સવના આયોજનનું નામ પડે એટલે રિંગણાનું શાક આંખ સામે તરવરે, સંપ્રદાયમાં ગામડે-ગામડે અને મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે. સત્સંગ સભા થાય ધૂનકીર્તનની રંગત પછી સત્સંગકથા-વાર્તા થાય અને પ્રભુપ્રસાદથી પાવન થયેલ શાક-રોટલાનો પ્રસાદ હોંશે હોંશે આરોગી હરિભક્તો છુટા પડે. આ દિવ્ય પરંપરા પાછળ સંપ્રદાયનો એક અનેરો ઇતિહાસ છે તો ચાલો જાણીયે તે લીલાને..
શ્રીજીમહારાજના પરમસખા એવા લોયાના સુરાખાચરના ઘરે એકવાર ચોરી થઈ અને 20000 રૂ ભરેલો પટારો ચોર ઉપાડી ગયા, સવારે સૌને ખબર પડતા પટારો શોધવા લાગ્યા પણ ક્યાંય મળ્યો નહિ આથી થોડા ચિંતિત થયેલા સુરા ખાચરે સંકલ્પ કર્યો કે જો પટારો મળી જાય તો અર્ધા રૂપિયા ધર્માદે આપવા અને સાંજ સુધીમાં પટારો હેમખેમ સ્થિતિમાં મળી ગયો અને ખોલીને ચેક કર્યું તો એક પાઈ પણ ઓછી નહોતી થઇ. ઘરે આવી સુરાબાપુએ તેમાં પત્ની શાંતાબાને આ વાત કરી તો સમજણનીમૂર્તિ એવા શાંતાબાએ કીધું કે કદાચ ચોર જ બધું ધન લઇ ગયા હોત તો તમે શું અરધું ધન આપત..? સાનમાં સમજી ગયેલા સુરાખાચરે બધું જ ધન ધર્માદે ખર્ચ કરવાનો નિર્ણય લીધો અને ગઢપુરમાં શ્રીહરિને પત્ર લખી સંતો સહીત તેડાવ્યા.
શ્રીહરિ લોયા પધાર્યા તે સમયે ત્યાંની વાડિયોમાં રીંગણાંનો સારો પાક હતો અને એટલે શ્રીજીમહારાજે સ્વયં શાક બનાવી સંતો-ભક્તોને જમાડવાનો સંકલ્પ કર્યો….60 મણ રીંગણ, 12 મણ ઘીમાં વઘાર કરી શાક શ્રીજીમહારાજ બનાવે અને સંતોએ રોટલા બનાવ્યા અને સંતોભક્તો જમવા બેઠા ત્યારે જેને જે ભોજન પદાર્થ ભાવતું હોય તેવો સ્વાદ તેને શાકમાં આવે.
આવો આજના દિવસે આ દિવ્ય શાકોત્સવની લીલા સંભારી પાવન થઈએ.