Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)
ગુજરાતી
અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો જીલીને કેટલાય સામાન્ય કુટુંબના સભ્યો પણ ઉચ્ચ કોટિના ભક્તો બન્યા હતા.
સ્વામીના અગ્રણી ગૃહસ્થ શિષ્યોમાં જેમનું નામ સૌથી પ્રથમ લેવાય છે. એ જ ભક્તરાજ છે પર્વતભાઈ. તેમની કર્મ ભૂમિ સૌરાષ્ટ્રમાં આવેલ ‘‘અગતરાઈ’’ નામનું ગામડું હતું. તે ઓ વ્યવસાયે ખેડૂત હતા.. ખેતી કરતાં કરતાં પણ તેમને અધ્યાત્મના પંથે ખૂબ મોટી મંજીલ પ્રાપ્ત કરેલી. રામાનંદ સ્વામી માટેની એમની નિષ્ઠા અબાધ્ય હતી. સુખસિંધુ શ્રીહરિના પ્રથમ દર્શને જ વૃત્તિ સ્થિર થઈ ગઈ. મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ.
પછી તો ત્રણે અવસ્થામાં એનું જ ધ્યાન કરતા. સંસારની કોઈ માયા તેમને મોહિત કરવામાં સફળ નો’તી થઈ.તેઓ શરીરે સંસારના બંધનમાં હતા. પણ તેમનો આત્મા ભક્તિના પ્રચંડ પૂરમાં તણાય ગયેલો. હળ હાંકતાં હાંકતાં માનસી પૂજા કરતા છતાં યોગીઓ અચંબામાં પડી જાય તેવી વૃતિની સ્થૈર્યતા કેળવતા.
ભક્તરાજ પર્વતભાઈનું જીવન પ્રેરણાના પવિત્ર ઝરણાં જેવું છે. ઈતિહાસ તેના બધાજ પ્રસંગોની નોંધ નથી લઈ શક્યો, છતાં હળ હાંકતા હાંકતાં માનસી પૂજાના પ્રસંગની નોંધ ખૂબજ મહત્વ પૂર્ણ માનીને લેવામાં આવી છે. કર્મયોગની આ અંતિમ સીમા છે. જ્યારે કર્મયોગ અને ભક્તિયોગ વચ્ચેની ભેદ રેખા ભૂંસાઈ ભૂલાઈ ત્યારે જ પર્વતભાઈ જેવા ભક્તપાત્રો સત્સંગને સાંપડે છે.
અંબરીષને ભૂલાડે એવું આત્મનિવેદીપણું અને પર્વત નાનો પડે એવી જબરી નિષ્ઠા. જાડા વસ્ત્રો, જાડી ભાષા-છતાં મૃદુ સ્વભાવના પર્વતભાઈ જેવા કેટલાંય ભક્તોએ આ સત્સંગનું ગૌરવ વધાર્યું છે. વંદન હો આ ભક્તજનન ચરણે…