Sadguru Shree Sukhanand Swami – (સદ્ગુરૂ શ્રી સુખાનંદ સ્વામી)
ગુજરાતી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક દર્શનીય પરમ પવિત્ર પ્રાતઃસ્મરણીય સંતો થઈ ગયા કે જે સંતો સતત પરિભ્રમણ કરી લોક હૃદય સુધી પહોંચી તેમનાં હૃદયની વેરાન ભૂમિમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન વૈરાગ્ય રૂપી પુષ્પનો સુંદર સુવાસિત મધમધતો બાગ બનાવ્યો. તે બાગના નિર્માણમાં સુખાનંદ સ્વામી પણ એક હતા.
સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક નાગર બ્રાહ્મણને ત્યાં થયો હતો. સાચા મુમુક્ષુ હોવાથી સદ્ગુરૂની શોધ કરતા રામાનંદ સ્વામીનો ભેટો થયો અને તેમની પાસેથી દીક્ષા લીધીને ‘‘સુખાનંદ’’ એવું શુભ નામાભિધાન થયું.
લોજની વાવે મહારાજનાં દર્શન થયાં તેથી મહારાજમાં અપાર હેત થયું. પરંતુ તેમને પોતાનાં માતા-પિતાને શ્રીહરિનાં આશ્રિત કરી તેમનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. તેથી તેમને ઉજ્જૈન જવાનો આગ્રહ હતો. શ્રીહરિએ તેમને કહ્યું કે, તમારી આવરદા એક વર્ષની છે,માટે તમે અમારી સેવામાં રહો. પરંતુ પ્રબલ ઈચ્છા હોવાથી સુખાનંદ સ્વામી સંવત્ ૧૮૬૯ માં જેતલપુરથી એકલા જ ચાલી નીકળ્યા. છાાલતા રસ્તામાં એક ગામના ચોરામાં જય સ્વામિનારાયણ કહીને ખીટીંએ ઝોળી લટકાવી ને તે જ ક્ષણે ચોરામાં ચોમેર તેજ છવાઈ ગયું.
ચોરામાં રહેતા બે બાવાને આ દ્રશ્ય જોઈ શ્રીહરિના આશ્રિત થવાની ઈચ્છા થઈને એમણે સમર્પિત થવાની અદમ્ય ઈચ્છા જણાવી. તેથી સુખાનંદ સ્વામીએ તે બાવાને દીક્ષા આપી એકનું નામ ‘રામાનુજાનંદ’ પાડ્યું અને બીજા બાવાનું નામ ‘ગોપાળાનંદ’ પાડ્યું. પછી તે ગ્વાલિયર દેશમાં જઈને પોતાના માતા-પિતા તથા પોતાના બે ભાઈ અને તેમની જ્ઞાતિને સત્સંગના રંગે રંગી નાખ્યા.
બંગાળ દેશનો એક કાયસ્થ કરોડ પતિ હતો. તે ગોકુળમાં આવીને વૃંદાવનમાં આરસનું શિખરબંધ મંદિરબનાવી રાધાકૃષ્ણની પ્રતિમા પધરાવી અને પોતે બ્રાહ્મણોને જમાડી દાન આપતા. અભ્યાગ તને પકવાન જમાડતાને પોતે નિત્ય લૂખું અન્ન જમતા. સાચા મુમુક્ષુ હોવાથી પ્રગટની ઉપાસના કરતા સુખાનંદ સ્વામી મળ્યા. એક મહિનો ત્યાં રોકાઈને કાયસ્થને કથા વાર્તા કરી. તેથી સત્સંગની વાત સાંભળીને તેમને પ્રગટ ભગવાન છે તેવી પ્રતિતી થઈ.
તેથી કાયસ્થે એક પત્ર લખ્યોને સુખાનંદ સ્વામીને આપ્યો અને સાથે મથુરાના પેંડા તથા અત્તરની શીશી આપીને કહ્યું કે આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણને હાથો હાથ આપજો. સુખાનંદ સ્વામી ગ્વાલિયર પહોંચ્યાને ત્યાં તેમનો દેહ છૂટી ગયોને અક્ષર વાસી થયા. સુખાનંદ સ્વામીના બે ભાઈઓ સત્સંગી હતા. તેથી મહારાજનાં દર્શન કરવા વરતાલ આવ્યા. શ્રીહરિએ કુશળ સમાચાર પૂછ્યા ત્યારે શ્રીહરિને પત્ર આપ્યો. પત્ર વાંચીને મહારાજ કહે તેને સત્સંગમાં ભાવ હતો અને કાયસ્થ શેઠ મરણ પામ્યા છે, તેથી સત્સંગીને ઘેર જન્મ લેશે.
પ્રગટ પરમાત્મા શ્રીહરિની પ્રતીતિ કરાવવા પરિભ્રમણ કરીને સત્સંગ સેવા યજ્ઞમાં પોતાના જીવનની આહુતિ આપી તેમાંથી નીકળતી ધૂમ્રસેરોને ચોમેર ફેલાવી પ્રેરણા પુંજનો પ્રકાશ પાથરનાર સદ્ગુરૂ સુખાનંદ સ્વામીનાં ચરણોમાં શતશઃ પ્રણામ…