Swaminarayan Mahamantra Mahima
ગુજરાતી
વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યા માત્ર પરલોક નહિ પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે… જ્યાં માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહિ પરંતુ જીવ પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા પણ છે. અહીં ભજન-ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે.
શું તમે જાણો છો ! એક સમયે ઉદ્ધવ સંપ્રદાયના નામથી ઓળખાતા આ સંપ્રદાયમાં ‘સ્વામિનારાયણ’ નામ કેવી રીતે આવ્યુ ? અને કેવી રીતે તેનું નામ ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ પડ્યું ? તો ચાલો જાણીયે તે વિષે
સવંત 1837 ચૈત્ર સુદી નવમીના શુભદિને પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વનવિચરણ કરી ગુજરાતમાં ઉદ્ધવજીના અવતાર એવા સ.ગુ. રામાનંદ સ્વામીને મળે છે. અને રામાનંદ સ્વામી પ્રભુને ઓળખી ધર્મધૂરા શ્રી ઘનશ્યામ મહારાજ (સહજાનંદ સ્વામી)ને સોંપે છે
થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમ્યાન રામાનંદ સ્વામી પોતાનો ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહત્યાગ કરે છે. અને ફરેણીમાંજ શ્રી રામાનંદ સ્વામીના ભદ્રાવતી કૂવાના કાંઠે અંતિમ સંસ્કાર થાય છે. અને ગુરુના દેહત્યાગના સમાચાર જાણી ગામો-ગામથી સંતો-ભક્તો આવે છે અને 14માંના દિવસે માગશર વદ સુબોધિની એકાદશી ને તા. 31-12-1801ના રોજ મોટી સભા ભરાય છે .
રામાનંદ સ્વામીની ધર્મધુરા ને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે ‘હે ભક્તજનો હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું પણ હવે થયુ તમને એક મંત્ર આપું છું અને હવે થી તમારે આ મંત્ર નો જાપ કરવાનો છે એ ઐતિહાસિક વર્ણન હરિલીલામૃત(૫/૩/૫૭)માં લખાયું છે.
ચૌદમાથી નવી રીત કરી, સૌના અંતરમાંહી ઊતરી…
અહીં એક પ્રશ્ન મનમાં સહેજે ઉદ્ભવેઃ તે ‘નવી રીત’ કઈ? શું આ પૂર્વે ભગવાનનું ભજન થતું જ ન હતું? થતું તો કેવું થતું?
તેના પહેલું ભજન એમ થાતું, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું;
હરે નારાયણની ઉચ્ચારી, સઉ કરતાં ભજન નરનારી. (હરિલીલામૃત : ૫/૩/૫૬)
સહજાનંદ સ્વામીએ આગળ કહ્યું કે અત્યાર સુધી મારા અનેક નામ છે કોઈ નામ સંતોએ આપ્યા તો કોઈ નામ ભક્તો એ પાડ્યા તો વળી જાયે પૃથ્વીને વિષે જન્મને ધારણ કર્યો તો માતાપિતાએ પણ નામ પાડ્યા અને તમે તે નામથી મારા નામનું ભજન પણ કરતા રહયા પણ આજ હું સ્વયં મારું નામ આપુ છું , આ સર્વોપરી મંત્ર છે એમ કહી પ્રભુએ ‘સ્વામિનારાયણ’ એવો મંત્ર આપ્યો
હવે આજ કરું હું પ્રકાશ, તમે સાંભળો તે સહુ દાસ.
સ્વામિનારાયણ મારું નામ, સંભારતાં સૌને સુખધામ.
બીજા નામ લે કોઈ અપાર, તોય આવે નહિ એની હાર
સ્વામિનારાયણ નામ સાર, લિયે એકવાર નીરધાર.
આમ ભગવાન સ્વામિનારાયણ ના મુખેથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સહુને આનંદ થયો અને ‘જયઘોષ’ સાથે બધા સંતો ભક્તો એ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડે ગુંજ્યો નાદ સ્વામિનારાયણનો
સ્વામિનારાયણ નામનો મહિમા સંપ્રદાયના શાસ્ત્રોમા…
‘સ્વા…મિ…ના…રા…ય…ણ…’ આ ષડક્ષરી મહામંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે તે પ.પૂ. ધુ. ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રી બતાવે છે :
‘જે સ્વામિનારાયણ નામ લેશે તેનાં બધા પાતક બાળી દેશે;
છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક.
જો સ્વામિનારાયણ એકવાર, રટે બીજા નામ રટ્યા હજાર;
જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું.
ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;
સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે.
ગાયત્રીથી લક્ષ ગુણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;
જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપ એજ થાય.
જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;
તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદ્બુદ્ધિ જાગે.
તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશી જાય;
શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે.
ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર;
છયે ઋતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે.
પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્યે સ્મરવું સનેહે;
જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય.
જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યાં બ્રાહ્મણ ધેનુ સંત;
તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં.
શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;
પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહેજ તેનું.’
(શ્રીહરિલીલામૃત : ૫/૩/૪૫-૫૪)
સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપ જ એવો છે કે આધિ-વ્યાધિ – ઉપાધિ ને મિટાવી દે અને ગમે ગમે તેવા દુ:ખ દર્દથી પીડાતાને શાતા આપે આ મહામંત્રના જાપથી શીતળદાસ સમાધિમાં યમપુરી જઈને યમપુરી ખાલી કરાવે, ગોલીડાના રાણો રાજગર જમદૂતને ભગાડે અને ઝીંઝાવદર ગામના મહાણે મડદું થઈને ચિત્તા પાર સુતેલા જેહલાને ફરીથી જીવતો કરે ને બોટાદના દેહાખાચરની મરેલી ઘોડીના કાનમાં આ મંત્ર પડે ને ઘોડી હાવળ દેતી ઉભી થાય. અરે આ ખાલી એકવાર કોઈક સાંભળેને ત્યાં તો તેના જીવન બદલાયાના પણ ઇતિહાસ છે યાદ કરો એ જોબન વડતાલો, મુંજો સુરુ, ઉપલેટાનો વેરાભાઈ કે જે વેલામાંથી ચીભડું ઉપાડીએ તેમ લોકોના ધડથી માથા અલગ કરતા અને આ મંત્રના પ્રતાપે એ વરુ જેવા હેવાન, ગાય જેવું પવિત્ર જીવન જીવીને ભગવાનના ધામને પામ્યા. આ મંત્રના જાપ થકી કેટલાય પાપી જીવ પુણ્યશાળી થયા, દિન દુ:ખિયા લોકો સુખી બન્યા, ભૂતપ્રેતના ડર રંજાડ દૂર થઇ , કાળાનાગના ચડેલા ઝેર પણ ઉતર્યા, મરણપથારીએથી કેટલાય ઉભા થયા, આમ આ ‘સ્વામિનારાયણ’ મંત્રનો પ્રતાપ અનેરો છે તો ચાલો આજે આપણે મહામંત્રના ઉદ્ઘોષ દિને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીને પુણ્યશાળી થઈએ
શ્રી સ્વામિનારાયણ’ નામ મહામંત્રનો વેદાદિ સત્શાસ્ત્ર માન્ય અર્થ :
‘સ્વામિનારાયણ’ મંત્રમાં મુખ્ય બે શબ્દો છે. ૧. સ્વામી અને ૨. નારાયણ. તો સૌપ્રથમ ‘સ્વામી’ શબ્દનો અર્થ જોઈએ :
સ્વામી શબ્દમાં ‘સ્વ’ પ્રકૃતિ અને ‘આમિનિચ’ મત્વર્થ પ્રત્યય ‘स्वामिन्नैश्वर्ये ’આ પાણિની વ્યાકરણ સૂત્રથી સ્વામી શબ્દ સિદ્ધ થાય છે. જેમાં ‘સ્વ’નો અર્થ ‘આત્મા-આત્મીય-જ્ઞાતિ અને ધન થાય છે.’ પરંતુ મત્વર્થ પ્રત્યય ‘આમિનિચ’ લગાડવાથી ‘સ્વ’નો અર્થ ઐશ્વર્ય થાય છે. ‘સ્વમ્ એશ્વર્યમ્ અસ્યાસ્તીતિ ઇતિ સ્વામી’ – ઐશ્વર્યનો માલિક તે ‘સ્વામી’ કહેવાય.
હવે ‘નારાયણ’ શબ્દનો અર્થ જોઈએ :
નારાયણ શબ્દમાં બે શબ્દો છે. ૧. નાર અને ૨. અયન.
તો તેમાં સૌપ્રથમ નાર શબ્દનો અર્થ જોઈએ.
‘ન રીયતે ઇતિ નરઃ ’ – ‘રિ હિંસાયામ્’ ધાતુને ‘અન્યેભ્યોપિ દૃશ્યતે’ – આ વ્યાકરણ સૂત્રથી ‘ડ’ પ્રત્યય કરી ‘ટી’નો લોપ કરવાથી ‘રઃ’ શબ્દ બન્યો. ર: = ક્ષય:. નર = અવિદ્યમાન: ર:(=ક્ષય:) યસ્ય સ: નર: જેનો ક્યારેય ક્ષય અથવા વિનાશ નથી તેને કહેવાય ‘નર:’ જેનો ક્યારેય નાશ ન થાય એવી બે વસ્તુઓ છે. ૧. ચૈતન્ય અને ૨. અચૈતન્ય. તેમાં ‘ચૈતન્ય’માં આવશે – બદ્ધજીવો, મુક્તજીવો, નિત્યમુક્ત જીવો તથા અક્ષરધામ. અને ‘અચૈતન્ય’ અર્થાત્ અનંતકોટિ બ્રહ્માંડો.
‘એતેષામ્ નરાણામ્ સમૂહ: ઇતિ નારમ્’ – ‘તસ્ય સમૂહ:’ આ પાણિની સૂત્રથી ‘અણ્’ પ્રત્યય લાગીને નાર શબ્દ બન્યો છે. બદ્ધજીવ, મુક્તજીવ, નિત્યમુક્તજીવ, અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડોના સમૂહને ‘નાર’ કહેવાય.
હવે ‘અયન’ શબ્દનો અર્થ જોઈએ :
‘ઈણ્ ગતૌ’ અને ‘અય ગતૌ’ ધાતુને ભાવાર્થે ‘લ્યુટ’ પ્રત્યય કરવાથી ‘અયનમ્’શબ્દ બને. અથવા ‘કૃત્યલ્યુટો’ પાણિની સૂત્રાનુસારે કર્માર્થે ‘લ્યુટ’ પ્રત્યય કરવાથી પણ ‘અયન’શબ્દ બને. જ્યારે ભાવાર્થે પ્રત્યય કરશું ત્યારે ‘અયન’ શબ્દનો અર્થ થશે ‘ગમન’અને કર્માર્થે ‘લ્યુટ’ પ્રત્યય કરીશું ત્યારે ‘અયન’ શબ્દનો અર્થ થશે ‘આશ્રય’ હવે ‘નારમ્’ શબ્દ અને ‘અયનમ્’ શબ્દનો સમાસ કરીશું. જ્યારે ‘અયનમ્’ શબ્દ ભાવાર્થે લઈશું ત્યારે સમાસ થશે બહુવ્રીહિ. ‘નારે અયનમ્ યસ્ય સ: નારાયન:’ અને જ્યારે કર્મણિ ‘લ્યુટ’ પ્રત્યય કરીશું ત્યારે ‘અયન’ શબ્દનો અર્થ થશે – ‘આશ્રય’ અને સમાસ થશે તત્પુરુષ. ‘નૈરાશ્ય અયન: ઇતિ નારાયન:’ – હવે ‘પૂર્વપદાત સંજ્ઞાયામગ:’ આ પાણિની સૂત્રથી બંને શબ્દના ‘ન’કારનો, ‘ણ’કાર થશે. ત્યારે શબ્દ બનશે ‘નારાયણ.’
હવે ‘સ્વામિ’ અને ‘નારાયણ’ આ બંને શબ્દોનો કર્મધારય સમાસ થતાં જેમ કે ‘સ્વામી ચાસૌ નારાયણ: ઇતિ સ્વામિનારાયણ: ’ – અર્થાત્ સર્વજગતનું સર્જવાપણું, આત્માપણું, અંતર્યામીપણું, સર્વઆધારપણું, સર્વફળપ્રદાતાપણું વગેરે બહુવિધ ઐશ્વર્ય સંપન્ન હોવાથી ‘સ્વામી’ અને સર્વની અંદર ને બહાર વ્યાપી રહેલા હોવાથી નારાયણ અને તે બંને મળીને ‘સ્વામિનારાયણ’ આ મહામંત્ર થયો. જેનો અર્થ આ રીતે થશે જે અનંતકોટિ બદ્ધજીવો, અનંતકોટિ મુક્તજીવો, અનંતકોટિ બ્રહ્માંડો, નિત્યમુક્તો અને અક્ષરધામનું અંતર્યામી સ્વરૂપે નિયમન કરે છે. જે સર્વના આધાર છે, જે સર્વના માલિક યા સ્વામી તેને કહેવાય ‘સ્વામિનારાયણ.’
આવી રીતે અર્થ કરવામાં સહમત પુરુષોત્તમલીલામૃત સુખસાગર ગ્રંથના તરંગ ૧૩માં પણ છે :
‘સ્વામિનારાયણ નામ સાર, રટજો સહુ તે નરનાર;
સર્વે નારાયણનો હું સ્વામી, માટે રહેજો મને કરભામી.
બીજા નારાયણ નામ ઘણા, કહું નામ થોડાક તે તણા;
સૂર્યનારાયણ જે કહેવાય, વૈરાટનારાયણ પણ લેવાય.
લક્ષ્મીનારાયણ નામ કહે છે, નરનારાયણ નામ લહે છે;
વાસુદેવનારાયણ સાર, એવા નારાયણ નામ અપાર.
તે સૌ નારાયણનો હું સ્વામી, સહુ રહ્યા મને કરભામી;
માટે સ્વામિનારાયણ જેહ, નામ મારું છે કહું છું તેહ.
સર્વોપરિ નામ છે એ સાર, માટે રટજો સહુ નરનાર;
એહ નામ રટે જન જેહ, પામે અલૌકિક સુખ તેહ.’
આ ગ્રંથમાં ખુદ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે કહ્યું છે તેના ઉપરથી ફલિતાર્થ થાય છે કે, સ્વામિ અને નારાયણ એ બંને શબ્દો એક વ્યક્તિ માટે પ્રયોજેલા છે. ‘સ્વામિ’ છે તે વિશેષણ છે અને ‘નારાયણ’ છે તે વિશેષ્ય છે. અને બંને મળીને કર્મધારય સમાસ ‘विशेषणं विशेष्येण बहुलम्’ પાણિનીના સૂત્રથી થયો છે. અને ‘સ્વામી’ શબ્દ છે તે વિશેષણ વાચક છે.
સ્વામિનારાયણ મહામંત્ર અંગેની વ્યાપક ભ્રમણાઓ અને તથ્ય
આજે કેટલાક લોકો પોતાની રીતે પોતાનો સ્વાર્થ સાધવા કે પછી પોતાની રીતિ / મત પ્રવર્તવાવા માટે આ મંત્રનો અર્થ અલગ અલગ કરે છે જેના ભ્રામક ને તથ્યો આ મુજબ છે
ભ્રમણા
કોઈ એમ કહેશે કે ‘શ્રીજીમહારાજને ચાર ચરણારવિંદની ઉપાસના પ્રવર્તાવવી હતી, પરંતુ સમય અનુકુળ ન હતો.’
તથ્ય
તો તે વાત તદ્દન ખોટી પડશે. કારણ કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ જાહેરમાં પોતાને પ્રગટ ભગવાન કહેતા ડર્યા નથી; પોતાને સર્વે અવતારના અવતારી કહેતા પણ ડર્યા નથી; જે પોતાની મૂર્તિ ભગવાન તરીકે પધરાવતા ડર્યા નથી; તે શું ચાર ચરણારવિંદની ઉપાસના પ્રવર્તાવતા ડરે ? અને ચાર ચરણારવિંદની ઉપાસના તો પરંપરા સિદ્ધ હતી જ. તે પ્રવર્તાવવામાં કોઈ વિરોધનો પ્રશ્ન જ ન હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે તો પરંપરા સિદ્ધ ચાર ચરણારવિંદની ઉપાસના બંધ કરાવી ખુદને માન્ય-અભિમત એવી શુદ્ધ બે ચરણારવિંદની ઉપાસના પ્રવર્તાવી છે. માટે ‘સ્વામિનારાયણ’ મહામંત્રને વિભાજીત કરી કોઈપણ રીતે બે વ્યક્તિ પરક અર્થ કરવો તે મહામંત્ર સાથે છેડછાડ કરી ગણાશે. મહામંત્રનો અને શ્રીજીમહારાજનો દ્રોહ ગણાશે અને એવો અર્થ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો ગણાશે, માટે સુજ્ઞજનોએ આ બાબતે યોગ્ય વિચારવું ઘટે છે.
ભ્રમણા :
‘સ્વામીનારાયણ’ એટલે સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની જોડી એવો નવો અર્થ પણ કરવામાં આવે છે. (આ અર્થ કરવા માટે ‘સ્વામિ’ શબ્દને દીર્ઘ ‘સ્વામી’ લખવામાં આવે છે.)
તથ્ય
‘સ્વામિનારાયણ’ એટલે સર્વથી શ્રેષ્ઠ નારાયણ એવો મૂળ અર્થ છે અને પાણિનીય વ્યાકરણના નિયમ અનુસાર જ્યારે બંને શબ્દો મળીને એક બને છે ત્યારે હૃસ્વ ઉચ્ચારણ થાય છે.
‘સ્વામિનારાયણ’ મહામંત્રમાં ‘સ્વામિ’ શબ્દ હૃસ્વ છે. માટે ‘સ્વામી’ એવો અલગ દીર્ઘાન્ત શબ્દની વ્યાખ્યા સંભવી શક્તી નથી, અને આ રીતે ‘સ્વામી’ એકજ શબ્દનો અલગથી અર્થ થાય તે અર્થ પણ અહિંયા સુસંગત નથી. માટે આ પવિત્ર મહામંત્રમાં ‘સ્વામિનારાયણ’ એવું એકજ વિભક્ત્યન્ત-પદ-સ્વવર્ણનીય એકજ અર્થમાં સંજ્ઞા ઉત્પન્ન કરે છે. માટે જે ભક્તજનો ‘સ્વામી’ શબ્દ અલગ અને ‘નારાયણ’ અલગ એવી વ્યાખ્યા કરીને શબ્દાર્થ ઘટાડે છે તે અયોગ્ય છે. માટે ‘સ્વામીનારાયણ’ આ રીતે જેઓ દીર્ઘ ઉચ્ચારણ કરીને ‘સ્વામી’ શબ્દ અન્યવ્યક્તિપરક સમજે છે તેઓ ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો અનર્થ કરે છે. વૈયાકરણીક રીતે તે અપશબ્દ બને છે. અને કોઈપણ મંત્રનો અનર્થ કરવો તે તેની ઘાત સમાન છે. તેમજ આવી રીતે ‘મિ’ને દીર્ઘ કરીને સ્વામી અને નારાયણ એવો વિભાજીત અર્થ બંધ બેસતો કરવાથી સ્પષ્ટ રીતે સ્વામી-સેવકનો સંબંધ પણ તૂટી જાય છે અને દોષભાગી થાય છે. તે બાબત ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં સ્પષ્ટપણે કહ્યું છે : “…જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”(વચનામૃત કારિયાણી પ્રકરણ : ૧૦)
આજનો માણસ બુદ્ધિના અભાવથી જેટલો પીડાય છે, બુદ્ધિની અલ્પતાથી જેટલો પીડાય છે એના કરતા અનેકગણો તો બુદ્ધિના દુરુપયોગથી પીડાય છે. એ વિકૃત અર્થઘટન જ કરવા માગે છે. સામા માણસના કહેવાનું તાત્પર્ય એના ખ્યાલમાં નથી આવતું એવું નથી. એ હાથે કરીને ગાડી અવળે પાટે જ ચડાવતો જ રહે છે. શાસ્ત્રના શબ્દો એક ચોક્કસ બાબત તરફ ઈશારો કરી રહ્યા છે. અને સાંભળનાર કે વાંચનાર એ શબ્દોનું અલગ જ અર્થઘટન કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા લગભગ નહિવત્ છે. કારણ કે શબ્દોના અર્થઘટનની જવાબદારી છે મનના શિરે અને મન છે સ્વાર્થી સ્વચ્છંદી અને તકવાદી. એ શબ્દોનો એવો જ અર્થ કાઢશે કે જે એને પોતાને અનુકુળ હોય.
શું કરશો માણસનું ? એ કદાચ સારું જોશે પણ ખરો, સારું સાંભળશે પણ ખરો, સારું વાંચશે પણ ખરો, પરંતુ એનો અર્થ તો તે પોતાને જેવો કાઢવો હશે તેવો જ કાઢશે. માટે મુમુક્ષુ સાવધાન….!!!
ભગવદ્ભક્તોએ – ભગવદ્રસના પ્યાસુ અને જિજ્ઞાસુઓને જ તાત્ત્વિક, વાસ્તવિક અર્થ જાણવાની અને માણવાની તમન્ના હોય છે.